વડોદરા : MS યુનિવર્સિટીમાં યોજાયેલ મહિલા શિબિરમાં મહિલાલક્ષી કાયદાઓ અને રાજય સરકારની મહિલાલક્ષી અંદાજે 138 યોજનાઓમાં મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી હોય તે અંગે સમજ આપવામાં આવી હતી. મહિલા આયોગની કામગીરી વિશે માહિતી અને કાયદાઓ જાણવા જરૂરી છે. પણ તેનો ગેરઉપયોગ ન થાય તેની કાળજી લેવી આવશ્યક છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાત રાજયના મુખ્યપ્રધાનના કાર્યકાળ દરમિયાન વર્ષ 2001માં મહિલા અને બાળ વિભાગ કાર્યરત કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2005માં મહિલા આયોગ બનાવ્યું અને 2009થી એનઆરઆઇ સેલ પણ કાર્યરત કરવામાં આવ્યું છે. રાજયભરમાં 270 નારી અદાલતો છે. મહિલા આયોગમાં 400થી વધુ મહિલાઓ કાર્ય કરે છે. તેમજ 4 હજાર જેટલી મહિલાઓ સ્વૈચ્છિક રીતે કામ કરી રહી છે. મહિલા આયોગ દ્વારા 18 હજાર પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું છે.
તેમજ મહિલા આયોગને કેસ સંબંધે દફતર તપાસવા અને મહિલાઓ પર થતા અત્યાચારોની તપાસ કરવાની સત્તા છે. ઘરેલુ હિંસા, સ્ત્રીધન ઓળવી ગયા હોય અથવા સ્ત્રીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હોય ત્યારે અરજીઓને ધ્યાને લઇ બંને પક્ષોને બોલાવી તેના નિવારણ માટે મહિલા આયોગ કાર્ય કરે છે. નાની બાબતે પરિવાર તૂટે અને સ્ત્રીઓ ડિપ્રેશનમાં આવી આત્મઘાતી પગલાઓ ભરતી હોય છે. તેવી ઘટનાઓ ન બને તે માટે મહિલા આયોગ દ્વારા કાઉન્સેલીંગ સહિતની કામગીરી કરવામાં આવે છે.
આ ઉપરાંત નારીઓના કોઇપણ પ્રશ્ન જાહેર ન થાય અને તેમના પ્રશ્નોનું ખાનગીમાં સમાધાન કરવાનું કાર્ય પણ મહિલા આયોગ દ્વારા કરવામાં આવે છે. મહિલા આયોગની 181 હેલ્પલાઇન અને 181 એપ્લિકેશન મહિલાઓની સુરક્ષા અને સ્વરક્ષણ માટે ઉપયોગી છે. જેમાં અંદાજે 58 લાખથી વધુ મહિલાઓ આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. ગુજરાત રાજય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાએ મહિલાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ હેલ્પલાઇન ઉપરાંત ટોલ ફ્રી નં.1800 233 1111 પર પણ મહિલાઓ મદદ માંગી શકે છે. તેમજ તેની બાબતો ખાનગી રાખવામાં આવે છે.
તેમણે રાજયભરમાં અમલી કરવામાં આવેલ કવચ કાર્યક્રમ વિશે જણાવ્યું કે, ગુડ ટચ બેડ ટચ સ્પર્શ વિશેની સમજ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. હાલમાં આ કાર્યક્રમ 15 જેટલી શાળાઓમાં પૂર્ણ કરવામાં આવ્યો છે. કવચ કાર્યક્રમમાં સ્વસુરક્ષા માટેની સરળ ટ્રીક્સ પણ વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે. મહિલા આયોગ દ્વારા 28 યુનિવર્સિટીઓમાં કાર્યક્રમો યોજીને 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને તથા તાલુકા કક્ષાએ 300થી વધુ સેમિનાર યોજીને મહિલાઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા છે.