વડોદરા: બળાત્કારના કેસમાં પણ હવે સગીરાઓનો હવસખોરો શિકાર કરી રહ્યા છે. જ્યારે અકાળે કોઈ ગર્ભવતી બને છે ત્યારે કાંડ થયો હોવાનું સામે આવે છે. પહેલા જે કેસ સામે આવતા હતા તેમાં માત્ર રેપ થયો હોવાનું પુરવાર થતું. હવે જે કેસ સામે આવે છે તેમાં મોટા ભાગે યુવતીઓ ગર્ભવતી બની હોય તેવું સામે આવે છે. જોકે, સમાજમાં ઘણી દિકરીઓ નિર્દોષ પણ હોય છે. જેને બળાત્કાર કે જાતિય સંબધ શું છે તેની માહિતી હોતી નથી. હાલ વડોદરામાં એક માસૂમ સાથે રેપની ઘટના બની છે.
સંસ્કારી નગરીમાં અસંસ્કારઃ વડોદરા નગરીને આમ તો સંસ્કારી અને કલાનગરી તરીકે ઓળખવામાં આવે છે. પણ ગોત્રી વિસ્તારમાં ધોરણ દસમાં અભ્યાસ કરતી એક સગીરા સાથે ન બનવાનું બન્યું. જેમાં 20 વર્ષના યુવકે એને પીંખી નાંખી. વાત તો ત્યાં સુધી પહોંચી ગઈ કે, સગીરાના ગર્ભમાં એક શિશું ઉછરવા માંડ્યું. આમ સગીરાના પરિવારને એ ખબર ન હતી કે, દીકરી કોઈની હવસનો ભોગ બની છે. પણ જ્યારે તબીબી તપાસમાંથી ગર્ભવતી હોવનો રીપોર્ટ આવ્યો ત્યારે તળીયા નીચેથી જમીન ખસી ગઈ. પોક્સો અંતર્ગત નોંધાયેલી ફરિયાદમાં પોલીસે નરાધમની ધરપકડ કરીને જેલભેગો કર્યો છે.
"સગીરા પર થયેલા રેપ મામલે માતાની ફરિયાદ આધારે રેપ અને પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. આ બનાવમાં આરોપી પ્રથમ ઓડને ઝડપી લેવામાં આવ્યો છે અન તેને હાલમાં કોવિડ રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારબાદ ધરપકડ કરવામાં આવશે"-- ટી.એ.દેસાઇ (ગોત્રી પોલીસ મથકના PSI)
ખબર કેવી રીતે પડીઃ પોલીસ ફરિયાદમાં પીડિતાની માતાએ જણાવ્યું કે, છેલ્લા બે-ત્રણ દિવસથી મારી દીકરીને પેટમા દુ:ખતુ હતું. મારી દીકરી ઊલ્ટી કરતી હોવાથી સારવાર હેતું ફેમિલી ડોક્ટરને ત્યાં લઈ ગયા હતા. દવા આપી દીધા પછી પણ ઊલટીમાં કોઈ ફેર ન પડ્યો અને પેટનો દુઃખાવો વધતો ગયો. સસરા એ જ્યારે મને વાત કરી કે, દીકરીને સતત પેટનો દુઃખાવો રહે છે એ સમયે મારા સસરા એને હોસ્પિટલ લઈ ગયા. હું ડાયરેક્ટ હોસ્પિટલ દોડી ગઈ હતી. એ સમયે પ્રેગ્નેન્સીટેસ્ટ કરતા હચમચી જવાય એવી હકીકત સામે આવી.
ભાંગી પડી પીડિતાઃ આ અંગે મારી દીકરીને પૂછતાં હૈયાફાટ રૂદન થઈ પડે એવી સત્યતા સામે આવી. તેણે જણાવ્યું હતું કે, 3 મહિના પહેલા પ્રથમ દેવજીભાઈ ઓડ (રહે. રંગ અવધુત વુડા હાઉસીંગ, હરીનગર,ગોત્રી, વડોદરા)નો મોબાઇલ પર સંપર્ક થયો હતો. તેને મને ફોસલાવી પટાવીને અને બે વખત અલગ-અલગ જગ્યાએ મળવા માટે લઈ ગયેલો હતો. બે મહિના પહેલા તેની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા. તે દરમિયાન ગર્ભ રહી ગયો છે. જોકે, ઘરમાં ફજેતી ન થાય એ ડરથી સમગ્ર હકીકત છુપાયેલી હતી.