વડોદરાઃ હરણી દુર્ઘટનામાં તંત્ર દ્વારા ઢાંકપીછોડો કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. વડોદરા કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીએ મીડિયાના સવાલોને ટાળ્યા હતા. પોતે માત્ર 'નો કોમેન્ટસ' જેવો ડિપ્લોમેટિક આન્સર આપીને છટકી ગયા હતા. સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગની બહાર શીતલ મિસ્ત્રી સાથે મીડિયાએ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મીડિયાને કોઈ સંતોષકારક જવાબો મળ્યા નહતા.
અસંવેદનશીલ અને રીઢી પ્રતિક્રિયાઃ વડોદરાની હરણી દુર્ઘટનામાં 14ના મૃત્યુ એ ઘટનાની માહિતી જ કંપાવનારી છે. જો કે આ દુર્ઘટનાથી વહીવટી તંત્રના પેટનું પાણીય હાલતું ન હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ 14 જેટલા લોકોનાં મોત જેમાં 12 તો નાના નિર્દોષ ભૂલકા હતા તેનો સવાલ પુછતા જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બહુ અસંવેદનશીલ અને રીઢી પ્રતિક્રિયા આપી હતી. મીડિયા જ્યારે સવાલ પુછી રહ્યું હતું ત્યારે તેઓ ઠંડે કલેજે મોબાઈલ મચેડતા જોવા મળ્યા હતા. મીડિયાના સવાલના જવાબમાં પણ તેમણે માત્ર 'નો કોમેન્ટસ'!!! જેવો ડિપ્લોમેટિક આન્સર આપ્યો હતો. મીડિયાએ હજૂ બીજા સવાલો કરતા તેઓ મીડિયાથી રીતસરનો પીછો છોડાવતા હોય તે રીતે પોતાની કારમાં ભરાઈ ગયા.
કોન્ટ્રાક્ટમાં રમાઈ 'ખો-ખો' રમત: મળતી માહિતી અનુસાર હરણી તળાવમાં કોટીયા પ્રોજેક્ટ્સ નામક કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. ત્યારબાદ પરેશ શાહે તળાવમાં બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશ જૈન નામના વ્યક્તિને આપ્યો હતો. આ નિલેશ શાહે પણ સદર કોન્ટ્રાક્ટની ખો અન્ય વ્યક્તિને જ આપી હતી. આમ કોન્ટ્રાક્ટમાં પણ હેરાફેરી કરવામાં હતી. એટલુ જ નહીં સેવ ઉસળની લારી ચલાવતો વ્યક્તિ અહીં બોટ ચલાવતો હોવાનો આરોપ પણ તળાવ પાસે રહેલા લોકોએ લગાવ્યો હતો. આ દુર્ઘટનાને લઈને પ્રજામાં બહુ આક્રોશ જોવા મળી રહ્યો છે.
સલામતિ-સુરક્ષા સંદર્ભે સવાલોઃ 16ની ક્ષમતાવાળી બોટમાં 34 લોકોને બેસાડ્યા હતા. તેમજ બાળકોને લાઈફ જેકેટ પણ પહેરાવામાં આવ્યા નહોતા. કોન્ટ્રાક્ટમાં પણ વારંવાર કોન્ટ્રાક્ટર દ્વારા ખો આપવામાં હોવાનું સામે આવ્યું છે. બોટ ચાલક પણ કોઈ ટ્રેઈન્ડ બોટમેન નહતો. આ દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝ શાળાના 12 બાળકો અને 2 શિક્ષકોનું કમોત થયું છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ આ દુર્ઘટનાને પગલે ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શાળાની આસપાસ બેરિકેટ લગાડી દેવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વડોદરાજ નહિ પરંતુ જે આ સમાચાર સાંભળે છે તેમનો રોષ ભભૂકી ઉઠ્યો છે. વડોદરામાં તો ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. લોકો મૃતકોના પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરવા સાથે જવાબદારોને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે.
આ આખી દુર્ઘટના કરપ્શનને કારણે જ થઈ છે. વડોદરામાં એક હરિફાઈ લાગી છે કે આ નેતાએ મોટો બંગલો બનાવ્યો તો હું પણ તેનાથી મોટો બંગલો બનાવી લઉં. તેનાથી કરપ્શન વધ્યું છે. હું ખુલ્લેઆમ જવાબદારોને કલમ 302 અંતર્ગત સજા થાય તેવી માંગણી કરું છું...યોગેન્દ્ર બારોટ(સ્થાનિક, વડોદરા)