- રાજ્ય સરકાર દ્વારા ડભોઇ-કેવડીયા રેલ પથ માટે જમીન સંપાદનની થઈ રહી છે કામગીરી
- જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ડભોઈની મુલાકાત લીધી
- જમીન સંપાદન અને રેલવે નિર્માણની આનુષાંગિક કામોની સમીક્ષા સાથે નિરીક્ષણ કર્યું
વડોદરા: જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ડભોઇની મુલાકાત દરમિયાન કેવડીયાને જોડતી રેલવે લાઇનના નિર્માણની કામગીરીના અનુસંધાને જરૂરી જમીન સંપાદન તેમજ સ્ટેશનના વિકાસ સાથે સંકળાયેલા અન્ય આનુષાંગિક કામોની વિગતવાર સમીક્ષા કરી હતી. આ ઉપરાંત આ સંદર્ભમાં ખૂબ બારીકાઇ સાથે નિરીક્ષણ કર્યું હતું અને કામની પ્રગતિ, આયોજન, સમય મર્યાદાની જાણકારી મેળવી હતી.
માર્ગ અને મકાન તેમજ અન્ય વિભાગો સાથે આનુષાંગિક કામો માટે સંકલન જરૂરી
જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, આ રેલ્વે લાઇનની અગત્યતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારની સૂચનાઓ અને માર્ગદર્શનને અનુસરીને જિલ્લા વહીવટી તંત્રે જરૂરી જમીનોના ત્વરિત સંપાદન દ્વારા નોંધપાત્ર યોગદાન આપ્યું છે. અત્યારે આ રેલ પથ નિર્માણનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. રાજ્ય સરકાર વખતો વખત તેને લગતી કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શક સૂચનાઓ આપે છે અને તે પ્રમાણે ઝડપી કામગીરી કરવામાં આવે છે. આ કામમાં ડભોઇથી ચાણોદ વચ્ચે રેલ માર્ગના ગેજ પરિવર્તન અને ચાણોદથી કેવડીયા સુધી નવા રેલ માર્ગના નિર્માણનો સમાવેશ થાય છે. આ સાથે જ તેમણે કહ્યું કે, આ રેલ માર્ગના નિર્માણને મંજૂરી આપવાની સાથે ભારત સરકારે ઘણું મોટું બજેટ ફાળવ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી જમીનોના સંપાદનનું કામ મહદઅંશે પૂર્ણ
વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી જમીનોના સંપાદનનું કામ મહદઅંશે પૂરું કરવામાં આવ્યું છે. હાલમાં રેલવે અને ગુજરાત સરકાર દ્વારા સંકલિત રીતે ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે. તેના સંદર્ભમાં આજે રેલવે સ્ટેશનના વિકાસ અને સાંકળતા રસ્તાઓની બાબતમાં માર્ગ અને મકાન સહિતના વિવિધ વિભાગો વચ્ચે જરૂરી સંકલનની સૂચનાઓ આપી છે. જિલ્લા પ્રશાસન રાજ્ય સરકારની સૂચનાઓ પ્રમાણે જરૂરી સંકલનથી કામ ઝડપથી થાય એ માટે તમામ સ્તરે આવશ્યક દિશા નિર્દેશો આ રાષ્ટ્રીય અગત્યના પ્રોજેક્ટ માટે આપી રહ્યું છે.