વડોદરાઃ કલા નગરી ક્રાઈમ કેપિટલ બની રહ્યું છે. વડોદરામાંથી છેત્તરપિંડી, લૂંટ અને હત્યાના કેસમાં વધારો થઈ રહ્યો છે. વડોદરા જિલ્લાનાં કરજણમાં મિત્રની હત્યા કરી ફરાર થયેલ આરોપી પાંચ વર્ષે પશ્ચિમ બંગાળથી ઝડપાયો છે. પોલીસ વિભાગમાંથી મળતી વિગત અનુસાર કરજણના જુના બજારમાં ભાડાનાં મકાનમાં મિત્ર સાથે ચંદન રાઘવ સહાની રહેતો હતો. પાંચ વર્ષ પહેલાં તેને મિત્ર સાથે સામાન્ય ઝઘડો થયો હતો. આ ઝઘડામાં હત્યા કરીને ફરાર થઇ ગયો હતો.
ચંદન રાઘવ સહાની જિંદાલ કંપનીમાં નોકરી કરતો હતો. તા.27-6-2019 ના રોજ તેને તેના સાથીદાર હરકેશસિંહ રામબીસિંહ સાથે ઝઘડો થયો હતો. જે ઝઘડાની અદાવતમાં બીજા દિવસે તા. 28-6-2019ના રોજ તેની હત્યા કરીને ફરાર થઈ ગયેલ. જે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના મોગરા પોલીસ મથકની હદમાં બાંસબેરીયા ખાતે છૂપાઇને રહેતો હતો જેને ઝડપી પાડવામાં આવ્યો છે . આ સમગ્ર બનાવ અંગેની ફરિયાદ કરજણ પોલીસ મથકમાં નોંધાઇ હતી. આરોપી મૂળ બિહારનો વતની છે. હત્યા બાદ ઘણા રાજ્યમાં છુપાતો ફરતો હતો.---એ.આર. મહિડા (પેરોલ ફર્લો સ્ક્વોડના પી.એસ.આઇ.)
બાંગ્લાદેશ બોર્ડરથી પકડાયોઃ હત્યારાને વડોદરા જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોર્ડે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની બોર્ડર ઉપર આવેલા બાંસબેરીયા ગામથી ઝડપી પાડ્યો હતો. મિત્રની હત્યા કરી ફરાર થયેલ આરોપીની આકરી ઢબે પૂછપરછ કરાઈ રહી છે. ચંદન સહાની કરજણમાં સાથીદારની હત્યા કર્યા બાદ દેશના પંજાબ, હરીયાણા, બિહાર, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પોતાની ઓળખ છુપાવી રહેતો હતો. જેથી પોલીસને હાથ આજદીન સુધી આવ્યો ન હતો. પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા આ બનાવ અંગેની વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી.
ટીમ પશ્ચિમ બંગાળ પહોંચીઃ ચોક્કસ માહિતી મળતા જ ટેકનીકલ સોર્સીસના આધારે વડોદરા શહેરથી આશરે બે હજાર કિલો મીટર દૂર આવેલા બાંસબેરીયા જવાની તૈયારી કરી હતી. જિલ્લા પોલીસ વડા રોહન આનંદ અને નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ ટીમ તારીખ 29-4-2023ના રોજ પશ્ચિમ બંગાળ જવા માટે રવાના થઇ હતી. અલગ-અલગ પાંચ રાજ્યોમાં ટૂંકો વિસામો લઇ તારીખ 1-5-2023ના રોજ તપાસ ટીમ પશ્ચિમ બંગાળ ખાતે પહોંચી હતી. બાંસબેરીયા વિસ્તારની નજીક આવેલ બંડેલ ખાતે રોકાણ કર્યું હતું. ઓપરેશન ચંદન સહાની હાથ ધર્યું હતું.
રોકાણ કરી સર્વે કર્યોઃ બાંસબેરીયામાં બંગાળી ઓછા અને બિહારીની વસ્તી વઘુ છે. બંડેલ ખાતે પોલીસ અધિકારીઓએ રોકાણ કર્યા બાદ બાંસબેરીયાની ભૌગોલીક સ્થિતીની વિગતો મેળવી હતી. જેમાં એવી માહિતી મળી હતી કે, બાંસબેરીયામાં અંદાજે 15000 કરતા વધુ નાના-મોટા ઝૂંપડાઓ છે. જ્યાં બંગાળી ઓછા અને બિહારીની વસ્તી વધુ છે. મોટા ભાગે લોકો મજૂરી કામ કરે છે. આ વસ્તીમાં રહેતા લોકોને ખબર પડે કે, ગુજરાતની પોલીસ ફરી રહી છે. સતત બે દિવસ સુધી આરોપી ચંદન સહાની વિસ્તારની બહાર નીકળે છે કે કેમ ? તે અંગે કાળજીપૂર્વક વોચ રાખવામાં આવી હતી.
ચોક્કસ બાતમી મળીઃ ચાલાક આરોપી પોતાનું રહેણાક છોડતો ન હતો. દરમિયાન તારીખ 3-5-2023ના રોજ તપાસ ટીમને સચોટ માહિતી મળેલ કે, આરોપી ચંદન પોતાના પરીવાર સાથે કલ્યાણીદેવીના મંદિરે સવારથી દર્શન માટે ગયેલ છે. મોડી રાત્રે પોતાના ઘરે પરત આવવાનો છે. જેથી સ્થાનિક મોગરા પોલીસ સ્ટેશનના અધિકારીને રૂબરૂમાં મળી ગુનાની ગંભીરતા દર્શાવી મોડી રાત્રીના પોલીસ ઓપરેશન માટે જરૂરી પોલીસ મદદ મેળવી હતી. ગીચ વિસ્તારમાં પોતાના પરિવાર સાથે ઘરમાં સુતેલા કરજણના હત્યાના ગુનામાં ફરાર આરોપી ચંદન રાઘવ સહાનીને દબોચી લીધો હતો.