વડોદરા: વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગત મોડી રાત્રે પ્રેમ પ્રકરણમાં મિત્રએ મિત્રની હત્યા કરી હતી. પ્રેમી અને પ્રેમિકાએ મળીને પૂર્વ પ્રેમીને હત્યા કરી હોવાની વિગતો સામે આવી છે. આ બનાવ અંગે બાપોદ પોલીસ મથકમાં બે વ્યક્તિ સામે હત્યાનો ગુન્હો નોંધવામાં આવ્યો છે. તેમ જ બાપોદ પોલીસે બે ઇસમની પ્રાથમિક ધોરણે અટકાયત કરી લીધી છે.
મૃતકના પિતાની ફરિયાદના આધારે તપાસ ચાલુ છે. હાલમાં મૃતકનું પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે અને પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે બે વ્યક્તિની અટકાયત કરી વધુ કાર્યવાહી આરંભી છે...સી. પી. વાઘેલા (પીઆઈ, બાપોદ પોલીસ)
અવારનવાર વાતચીત થતી હતી : આજવા રોડ પર આવેલ ક્રિષ્ણનગર રામદેવનગરની બાજુમાં રહેતા અશોકભાઇ તુલસીદાસ યાદવ (ઉ.50)એ બાપોદ પોલીસ મથકમાં પોતાના પુત્રની હત્યા અંગે ફરિયાદ નોંધાવી હતી. બાપોદ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ પુત્ર પ્રહલાદ ઉર્ફે સાગરને યુવતી સાથે દોઢ વર્ષ પહેલાં પ્રેમ સંબંધ હતાં અને ત્યારબાદ પલકને વાઘોડિયા રોડ પર રહેતા પાર્થીવ ઉર્ફે પાર્થ સાથે મિત્રતા થઇ હતી. જેથી પ્રહલાદ અને પાર્થ વચ્ચે અવારનવાર તે બાબતે ફોન પર બોલાચાલી થતી હતી.
પૂર્વ પ્રેમીને મળવા બોલાવી કાસળ કાઢ્યું : ફરિયાદીએ જણાવ્યા પ્રમાણે 15 જૂનના રોજ તેઓ અને પ્રહલાદ ઘરે હાજર હતા. તે દરમિયાન પ્રહલાદ કોઇને સાથે ફોન પર વાતકરતો હતો. જેથી પિતાએમેં પૂછ્યું હતું કે, તું કોની સાથે વાત કરે છે. તેણે જણાવ્યું કહ્યું હતું કે, પાર્થનો ફોન છે અને પાર્થ અને પલક મને મળવા માટે બોલાવે છે. જેથી હું તેઓને મળવા માટે જાઉં છું. તેમ કહીને ઘરેથી આશરે રાત્રે 11.30 વાગ્યે તે નીકળી ગયો હતો.
16 જૂનના રોજ રાત્રે રાત્રિના અઢી વાગ્યે પૂનમનગરમાં રહેતા સુધાકરભાઇ અને ગજેન્દ્રભાઇ મારા ઘરે આવ્યા હતા અને મને જણાવ્યું હતું કે, પૂનમનગર જ્ઞાનનગર એપાર્ટમેન્ટની બાજુમાં તમારો દીકરો પડ્યો છે. જેથી હું પીનમનગર ખાતે પહોંચી ગયો હતો અને ત્યાં જઈને જોયુ તો લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. મારો પુત્ર પ્રહલાદ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો અને તેનો મિત્ર અજય લક્ષ્મણભાઇ મારવાડી મારા પુત્રનું માથું ખોળામાં મુકીને બેસેલો હતો. મારો પુત્ર બેભાન હાલતમાં હતો અને તેના પેટની ઉપર જમણી બાજુમાં ઘા મારેલા હતાં અને તેના પેટમાંથી આંતરડું બહાર આવી ગયું હતું. જેથી મે મારા દીકરાને મારા ખોળામાં લઇ લીધો હતો..અશોકભાઇ તુલસીદાસ યાદવ..(ફરિયાદી)
મિત્રએ સમગ્ર ઘટના જોઇ : આ સમગ્ર ઘટના મિત્ર અજયે જોઈ હતી. મિત્રની માતા ઘરકામ પતાવી પરત ફરતાં તે દરમિયાન જ્ઞાનસાગર એપાર્ટમેન્ટની બાજુમાં રસ્તા પર પ્રહલાદ અને પાર્થ તેમજ પલક વચ્ચે ઝઘડો થતો હતો. જે અંગે મિત્રની માતાએ જણાવ્યું કે, પાર્થ અને પલક બંને પ્રહલાદ સાથે ઝઘડો કરે છે અને પેટના ભાગે ખંજર મારી દીધુ છે. જેથી હું તાત્કાલિક ત્યાં ગયો હતો અને જોયું હતું કે, પ્રહલાદ લોહીલુહાણ હાલતમાં વરસાદી પાણીમાં પડેલો હતો.
108ની ટીમે મૃત જાહેર કર્યો : દરમ્યાન સ્થાનિકો એકઠા થઇ ગયા હતા અને પ્રહલાદને ગંભીર રીતે ઘાયલ જોઈ ઇમરજન્સી 108ને કોલ કરી બોલાવી હતી. 108 એમબ્યુલન્સ આવી જતા પ્રહલાદને મૃત જાહેર કર્યો હતો. બાદમાં પોલીસને જાણ કરતા પોલીસ આવી અને મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. આ મામલે પિતાની ફરિયાદના આધારે બાપોદ પોલીસે પાર્થિવ ઉર્ફે પાર્થ ભોગીલાલ પરમાર (રહે. ધરતી ટેનામેન્ટ, વાઘોડિયા રોડ, વડોદરા) અને પ્રાર્થના ઉર્ફે પલક સુરેશભાઇ ઠાકોર (રહે. ચાચા નહેરુનગર કમલાનગર, આજવા રોડ, વડોદરા) પોલીસ ફરિયાદ નોંધાવી છે.