વડોદરા: સમયાંતરે જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતા સુરક્ષા સામે પ્રશ્નો ઊભા થાય છે, પરંતુ વડોદરા મધ્યસ્થ જેલમાં એક તબીબ પર ઇંટથી હુમલો થતાં જેલ પરિસરમાં કેટલી સુરક્ષા છે? એની સાબિતી મળી છે. વડોદરાના ડોક્ટર નિલેશ ઘણા સમયથી જેલમાં કેદીઓની સારવાર કરવા માટે આવે છે. પરંતુ આ વખતે પાકા કામના કેદી એવા મિતુલે ઓપીડી ચાલી રહી હતી. એ દરમિયાન અચાનક ઈંટથી હુમલો કરી દેતા મામલો ગરમાયો હતો. ડોક્ટરને ગંભીર ઈજા થતાં સારવાર હેતુ વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. જેને લઇ પોલીસે કાયદેસરના પગલાં લીધા છે જ્યારે પાકા કામના કેદી મિતુલની પૂછપરછ શરૂ કરી છે
ઓપીડી દરમિયાન થયો હુમલો: વડોદરા મધ્યસ્થ જેલમાં ફિઝિશિયન તરીકે ફરજ બજાવતા ડો.નિલેશભાઈ ચરપોટે રાવપુરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ છેલ્લા 12 વર્ષથી જેલમાં ફરજ બજાવે છે. તે નવ વાગ્યાની આસપાસ ફરજ પર હાજર હતા. સુપ્રિટેન્ડન્ટ સાથે દરેક બેરેકમાં રાઉન્ડમાં નીકળેલ હતો. રાઉન્ડ બાદ સર્કલ દવાખાના યાર્ડ નંબર 6ની ઓફીસ પર ઓ.પી.ડીમાં આવ્યો હતો. તે દરમિયાન બધા જ કેદીઓ ત્યાં બેચ પર બેઠેલ હતા.
કેદીનો ઇંટ દ્વારા હુમલો: એક પછી એક કેદીઓની તપાસ કરતા હતા. દસ વાગ્યા બાદ એક પાકા કામનો કેદી મિતુલ જશુભાઈ ટેલરએ અચાનક આવી તબીબને માથાના ભાગે હાથમાં ઈંટ વડે હુમલો કરવાથી તબીબ નીચે પડી ગયા હતા. આ દરમિયાન બીજી વાર હુમલો કરવા જતાં ફરજ પર હાજર સ્ટાફે તે કેદીને પકડી પડ્યો હતો. તબીબ પર થયેલા હુમલામાં તેઓ બેભાન થતા સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ફરજ પર કેદી દ્વારા કરવામાં આવેલ હુમલાને પગલે તેઓએ રાવપુરા પોલીસ મથકમાં કેદી સામે ફરિયાદ નોંધાવી છે. કેદી દ્વારા શા માટે તબીબ પર હુમલો કરાયો છે તેની તપાસ રાવપુરા પોલોસ કરી રહી છે.
અનેક સવાલો: રાજ્યમાં તમામ સેન્ટ્રલ જેલમાં ગૃહ વિભાગના આદેશ અનુસાર સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેલમાંથી ગેરકાયદેસર ઘણી બધી ચીજવસ્તુઓ મળી આવી હતી. ત્યારે શહેરમાં મધ્યસ્થ જેલમાં તબીબ પર કેદી દ્વારા કરવામાં આવેલ હુમલો જેલ પ્રશાસનમાં સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. શા માટે વારંવાર કેદીઓ હુમલા કરી રહ્યા છે? શું આવા ખૂંખાર કેદીઓ માટે સુરક્ષામાં વધારો કરવો તે જેલ પ્રશાસન નથી સમજી શકતા? અહીં જેલ પ્રશાસન સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.