વડોદરાઃ સંસ્કાર નગરી વડોદરામાં દેવ ઉઠી અગિયારસને દિવસે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળવાની વર્ષો જૂની પરંપરા છે. આ વર્ષે પણ દેવ ઉઠી અગિયારસને દિવસે વડોદરામાં ભગવાન વિઠ્ઠલજીનો 214મો વરઘોડો ધામધૂમપૂર્વક નીકળ્યો હતો. રાજવી પરિવારે હોંશે હોંશે ભગવાના વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
પરંપરાગત વરઘોડોઃ વડોદરાના માંડવી ખાતે આવેલા ભગવાન વિઠ્ઠલનાથજીના ઐતિહાસિક મંદિરેથી 214મા વરઘોડાનું પ્રસ્થાન થયું હતું. પ્રસ્થાન અગાઉ રાજવી ગાયકવાડ પરિવારે ભગવાનની પૂજા અર્ચના કરી હતી. ગાયકવાડ પરિવારના રાજમાતા શુભાંગીનીરાજે અને મહારાણી રાધિકારાજેએ ભગવાનની આરતી કરી હતી. ત્યારબાદ વિધિવત રીતે ભગવાનનો વરઘોડો નગરચર્યા માટે નીકળ્યો હતો. આ ઐતિહાસિક પરંપરાના સાક્ષી બનવા માટે પ્રતિષ્ઠિત આગેવાનો અને રાજકીય અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
માર્ગો પર ભવ્ય સ્વાગતઃ રાજવી પરિવારે વિધિવત પૂજન કર્યા બાદ ઠામ માઠથી ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નગરચર્યાએ નીકળ્યો હતો. આ વરઘોડાનું ભવ્ય સ્વાગત શહેરના માર્ગો પર વેપારીઓ અને નાગરિકો દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર વાતાવારણ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા....વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલાથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ વરઘોડાના સ્વાગતમાં ફટાકડા પણ ફોડ્યા હતા. દેવ ઉઠી અગિયારસથી લોકો શુભકાર્યો શરુ કરતા હોય છે. તેથી ભકતોએ લગ્ન કે શુભકાર્યોની આમંત્રણ પત્રિકા અને કંકોતરી ભગવાનના ચરણોમાં મુકીને શુભકાર્યો સુપેરે પાર પાડવાના આશીર્વાદ પણ મેળવ્યા હતા. વિઠ્ઠલનાથજી ભગવાનના મંદિરેથી નીકળેલો આ વરઘોડો કેદારેશ્વર મહાદેવ મંદિરમાં બપોરે 2 કલાકે પહોંચ્યો હતો. સાંજે 5 કલાકે નગરચર્યા બાદ વરઘોડો પોતાના મંદિર પરત ફર્યો હતો.
વિઠ્ઠલનાથજી મંદિરે ભવ્ય શણગારઃ આજના દિવસે વિઠ્ઠલનાથજીના મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. ખૂબજ સુંદર રોશનીની વ્યવસ્થા કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભક્તો પ્રભુ વિઠ્ઠલનાથના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. આજના દિવસે ખાસ આ મંદિરને આખો દિવસ ભક્તો માટે ખુલ્લુ રાખવામાં આવ્યું હતું. અગાઉ દેવ ઉઠી અગિયારસે ભગવાનનો વરઘોડો નીકળે ત્યારે ભગવાનને તોપોની સલામી આપવામાં આવતી હતી. અત્યારે વરઘોડા ટાણે તોપો મુકવામાં આવે છે, પણ ફોડવામાં આવતી નથી. જેનો કાનૂની જંગ કોર્ટમાં ચાલી રહ્યો છે. મંદિરના પૂજારી જનાર્દન દવે આ કેસ લડી રહ્યા છે. હવે ભગવાનને તોપોથી સલામી આપવાના કેસમાં શું નિર્ણય આવે છે તે તો સ્વયં ભગવાન વિઠ્ઠલનાથજી જ જાણે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલલા........વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલલા........