વડોદરા : ગુજરાતના તમામ એરપોર્ટમાં સુવિધાઓથી લઈ પ્રવાસીઓની સવલતો માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરા હરણી ખાતે આવેલા હવાઈ મથકમાં ગોવાની ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી. આજે ઈન્ડિગો દ્વારા વડોદરાથી પુનાની નવી ફ્લાઇટની આજથી શરૂઆત થઈ છે. આ ફ્લાઇટ અઠવાડિયામાં 5 વાર ઉડાન ભરશે. વડોદરાના સાંસદ રંજન ભટ્ટ દ્વારા ઈન્ડિગોના પ્રવાસીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે વડોદરાથી પુના ગયેલા ફ્લાઈટમાં 78 પ્રવાસીઓએ ઉડાન ભરી હતી. જે પ્રવાસી ટ્રેન મારફતે જતા હતા તેઓને હવે ફ્લાઇટ શરૂ થતાં ખુશી વ્યક્ત કરી હતી.
કેક કાપી નવી ફ્લાઇટની શરૂઆત : આજે શરૂ થયેલી વડોદરા પુના ફ્લાઈટને લઈ સાંસદ રંજન ભટ્ટ અને મેયર નિલેષ રાઠોડની ઉપસ્થિતિમાં ફ્લાઇટ માટે કેક કાપવામાં આવી હતી. આ દરમિયાન ફ્લાઈટમાં જનાર પ્રવાસીઓનું વેલકમ કરવામાં આવ્યું હતું. બાદમાં વડોદરાથી પુનાની ફ્લાઇટે પહેલીવાર ઉડાન ભરી હતી. એરપોર્ટ ખાતે દિવ્યાંગો અને સિનિયર સિટીઝન માટે હેલ્પ ડેસ્કની શરૂઆત પણ કરવામાં આવી હતી.
અમે પહેલા ટ્રેનમાં જતા હતા અને વેઇટિંગમાં ટિકિટ લેવી પડતી હતી અને ખૂબ લાંબો પ્રવાસ થતો હતો. વડોદરાના સાંસદનો આભાર વ્યક્ત કરું છું. હું બરોડની છું અને મારા પરિવારના સભ્યો પુના રહે છે. હવે ફ્લાઇટ શરૂ થતાં સમયની બચત થશે. - રાખી વર્મા (પ્રથમ પ્રવાસી)
રજુઆતને ધ્યાનમાં લઈ ફ્લાઇટ શરૂ કરી : આ તકે સાંસદ રંજન ભટ્ટે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનું દરેક મંત્રાલય માર્ગ, રેલવે અને હવાઈ યાત્રામાં હંમેશા સુવિધા આપવાનો પ્રયાસ કરતું આવ્યું છે. એમને કામ કરવાનું માર્ગદર્શન વડાપ્રધાન તરફથી મળતું હોય છે. વડોદરા એરપોર્ટ વિકાસની ગતિમાં પણ ખૂબ જ આગળ છે. વડોદરા એરપોર્ટથી છેલ્લા એક વર્ષમાં 5 નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓની માંગણી હતી કે, આ પૂનાની ફ્લાઇટ શરૂ કરવામાં આવે જે મેં રજૂઆત પાર્લામેન્ટમાં મૂકી હતી. જે સાર્થક થઈ છે.
આજે મને ખુબ ખુશી થઈ : વધુમાં જણાવ્યું કે, એવા કેટલાય લોકો છે જે વડોદરાના છે અને પુનામાં રહે છે. કેટલાક લોકો ત્યાં ભણે છે અને નોકરી પણ કરે છે. ઘણા લોકો પુનાથી પણ છે કે, તેઓ વડોદરા અને મધ્ય ગુજરાતમાં બિઝનેસ ચલાવે છે, અહીં તેમની ફેક્ટરીઓ ચાલે છે. પુનાના ઘણા લોકો અહીં નોકરી પણ કરે છે. તેમના માટે આજે ખૂબ ખુશીના સમાચાર છે. યાત્રિકોને મળી તો ખુશી વ્યક્ત કરી હતી. તે જોઇને મને પણ ખૂબ જ આનંદ થયો છે. વડોદરા અને મધ્ય ગુજરાતને નવી ભેટ મળી છે.