વડોદરાઃ શહેરમાં ગુનાઓની સંખ્યા વધી રહી છે. ત્યારે અહીં મહિલા સાથે લૂંટનો બનાવ સામે આવ્યો છે. લક્ષ્મીપુરા ચાર રસ્તા વિસ્તારમાં ગઈકાલે વાહનચાલકે પોતાનું વાહન અયોગ્ય રીતે હંકારી મહિલા વાહનચાલક સામે વાહન ઊભું રાખી દીધું હતું. ત્યારબાદ આરોપીઓ મહિલા સાથે અભદ્ર વર્તન કરી મહિલાની સોનાની ચેન અને રોકડ મળી કુલ પોણા 2 લાખ રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જોકે, આ 6થી 7 આરોપીઓ તમામ વિધર્મી હોવાનું મહિલાએ જણાવ્યું હતું. આ અંગે મહિલાએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃ Rajkot Loot Case: લૂંટના આરોપી CCTVમાં કેદ થયા, છરી બતાવી કહ્યું, જે હોય એ આપી દો
સોનાની ચેન અને પૈસાની લૂંટ: આ ઘટનામાં મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીઓ 1.30 લાખ રૂપિયાની સોનાની ચેન, રોકડ 45,000 રૂપિયા મળી કુલ પોણા 2 લાખની લૂંટ કરી ફરાર થયા હતા. આ મામલે મહિલા અને તેના પરિવારજનોએ જવાહરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં હુમલાવર મોન્ટી દરબાર તથા અન્ય 6થી 7 ઈસમોની પોલીસે શોધખોળ શરૂ કરી છે. જોકે, પોલીસે હાલમાં સીસીટીવી તપાસવા સાથે જ લોકલ સર્વિસની ટીમને એક્ટિવ કરી છે.
પોલીસની સામે માર માર્યો: આ અંગે મહિલાએ જણાવ્યું હતું કે, હું અને મારા બાળક ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન લક્ષ્મીપુરા ચારરસ્તા પાસે હું ઊભી હતી. અચાનક એક ટેન્કરવાળો અમારી પાસે આવી ગયો હતો. એટલે અમે તેને કહ્યું હતું કે, શાંતિથી ચલાવો. એટલામાં તેઓ ઉશ્કેરાઈને નીચે ઉતરી ગયા હતા. ત્યારબાદ અન્ય ઈસમો સાથે આસપાસના લોકોએ આવી મને ઘેરી લીધી હતી. સાથે જ મારી સાથે અભદ્ર વર્તન કર્યું હતું. જોકે, મેં આ અંગે પોલીસને જાણ કરી હતી, પરંતુ હું કેટલાક લોકોના કહેવાથી ઘરે આવી ગઈ હતી. ત્યારબાદ પોલોસે મને ત્યાં બોલાવી તો હું અને મારા ભાઈ બંને ત્યાં પહોંચ્યા હતા. ત્યાં પણ મારા ભાઈ સાથે મારામારી કરી હતી. ત્યાં મારા પતિ પહોંંચતા તેમને પણ માર માર્યો અને તેમની ચેન સાથે તેમના ખિસ્સામાં રહેલા 45,000 રૂપિયા પણ લઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચોઃ Ahmedabad Crime News : આંબલીમાં બિલ્ડર ઓફિસ લૂંટના આરોપીઓ ઝડપાયા, આવ્યાં'તાં કરોડો લૂંટવાનો પ્લાન લઇને પણ...
એક આરોપીની અટકાયતઃ આ અંગે જવાહરનગર પીઆઈ વાય. એમ. મિશ્રાએ જણાવ્યું હતું કે, અકબર નામના ઈસમની અટકાયત કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે અને જે કોઈ વ્યક્તિ આ ઘટના સાથે સંકળાયેલા છે. તેને વહેલી તકે અટકાયત કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે