વડોદરા : આગામી 30 એપ્રિલના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 100મી મન કી બાત કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરમાં મન કી બાત કાર્યક્રમને લઈ મેગા આયોજન થવા જઈ રહ્યું છે. હાલમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 100માં મન કી બાત કાર્યક્રમ અનુસંધાને શહેરમાં વિવિધ સંસ્થાઓ, સરકારી હોસ્પિટલ,ખાનગી પેટ્રોલ પંપ, એનજીઓ સહિત 19 વોર્ડમાં 3,225 કેન્દ્રો પર મન કી બાત કાર્યક્રમ યોજાશે. જેમાં પાંચ લાખથી વધુ લોકો સાંભળી અને નિહાળી શકે તેવી પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
1200 બુથમાં મેગા આયોજન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 100માં મન કી બાત કાર્યક્રમના મેગા એપિસોડમાં વડાપ્રધાનની કર્મભૂમિ વડોદરામાં વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમને લઈ વડોદરા મહાનગરના 19 વોર્ડમાં 300 શક્તિ કેન્દ્ર, 1200 બુથમાં કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 120 શાળાઓ, એમ.એસ યુનિવર્સિટીની તમામ બોયસ અને ગર્લ્સ હોસ્ટેલમાં, 125 પ્રાઇવેટ હોસ્પિટલ, સેન્ટ્રલ જેલ ,250 હેર કટીંગ સલૂનમાં આ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ઐતિહાસિક ધરોહરમાં મુખ્ય આયોજન : વડાપ્રધાન ની મન કી બાતના કાર્યક્રમને લઈ વડોદરા શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ધરોહર ન્યાય મંદિર ખાતે મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મન કી બાતના મુખ્ય કાર્યક્રમમાં ગુજરાત સરકારના પ્રધાન ભાનુ બાબરીયા, ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લા સહિત વડોદરા મહાનગર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહ સહિત વિવિધ હોદ્દેદારોની ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો : Mann Ki Baat : PMની 'મન કી બાત' કાર્યક્રમમાં કોઈ કચાસ ન રહે તે પ્રકારની વડોદરામાં તૈયારીઓ
3225થી વધુ કેન્દ્રો પર આયોજન : મન કી બાત કાર્યક્રમને લઈ વડોદરા શહેરમાં 1200 બુથ 300 શક્તિ કેન્દ્ર, 120 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ, 22 બગીચાઓ, 35 જેટલી LED સ્કિન જે મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર લગાવેલ છે ત્યાં, 50 કોચિંગ ક્લાસ, 10 થિયેટર, 750 ગણેશ મંડળ, 74 જેટલા એનજીઓ, 10 મુખ્ય હોસ્પિટલ, 125 પ્રાઇવેટ હોસ્પિટલ, 35 ધાર્મિક સંસ્થા, 22 પેટ્રોલ પંપ, 14 યુનિવર્સિટી હોસ્ટેલ, 100 મંદિરો અને વિશિષ્ટ સ્થાનો, 250 હેર સલૂન સહિત 50 યુપીએસસી સેન્ટરો મળી કુલ 3,225 કેન્દ્ર પર વડાપ્રધાનની મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Mann Ki Baat : સુરતમાં PM મોદીની 100મી મન કી બાત એક સાથે 10 હજાર લોકો સાંભળશે
5 લાખથી વધુ લોકો સાંભળી શકે તેવું આયોજન : આ અંગે ભાજપ શહેર અધ્યક્ષ ડો.વિજય શહેર જણાવ્યું હતું કે, વડોદરા મહાનગર એ વડાપ્રધાનની કર્મભૂમિ છે. 2014માં પ્રથમ વખત સાંસદ તરીકે વડોદરાથી ચૂંટણી લડ્યા હતા. જેથી વડોદરાને વડાપ્રધાન માટે અલગ જ પ્રેમ છે. જેથી વડોદરા મહાનગરમાં 3225 જગ્યા પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે પ્રથમ વાર પહેલી વાર બધા જ લોકોને આવરી લેવા માટે સેન્ટ્રલ જેલ, રેલવે બસ સ્ટેશન, એરપોર્ટ પર આયોજન કરવામાં આવ્યા છે. વડોદરાના તમામ એફએમ રેડિયો અને મીડિયાના ઓટીટી પ્લેટફોર્મ પરથી પ્રસારણ કરવા આવશે. વડોદરાના 5 લાખથી વધુ લોકો સાંભળી નિહાળી શકે તે પ્રકારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.