વડોદરા: શહેરમાં દિનપ્રતિદિન અકસ્માતની ઘટનાઓ પારાવાર સામે આવી રહી છે. જેમાં વાહનચાલકોની બેદરકારીના કારણે અકસ્માત વધી રહ્યા છે. ગત રોજ શહેરના પંડ્યા બ્રિજ પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ડમ્પરનું ટાયર ધડાકાભેર ફાટ્યા તેના અવાજથી ગભરાયેલ એક્ટિવા ચાલક યુવતી ડિવાઇડર સાથે અથડાઇ હતી. એક્ટિવા ચાલક અને સવાર યુવતી ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં એક્ટિવા સવાર યુવતીનું મોત નીપજ્યું હતું.
પરિવાર પર આભ તૂટી પડ્યું: આ ઘટનાને પગલે પંડ્યા બ્રિજ પાસે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીઓને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બે યુવતી પૈકી એક યુવતીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈ યુવતીના પરિજનો તાત્કાલિક હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. અને યુવતીના મોતના સમાચાર સાંભળતા જ પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
ડમ્પરનું ટાયર ફાટતા યુવતીઓ ગભરાઈ: શહેરના પંડ્યા બ્રિજ પાસે થયેલ આ અકસ્માતમાં ડમ્પર અને કાર વચ્ચે થયો હતો પરંતુ આ અકસ્માત અંતમાં એક્ટિવા ચાલક યુવતીઓ ભોગ બની હતી. મોડી રાત્રે હેતા જોષી અને ખુશ્બુ કોઠારી નામની બે યુવતીઓ એક્ટિવા ઉપર પસાર થઇ રહી હતી. દરમિયાન પુર ઝડપે અને ગફલત ભરી રીતે આવતા ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ડમ્પરનું ટાયર ફાટવાના અવાજથી એક્ટીવા ઉપર સહેલી હેતા જોષીને લઇને જઇ રહેલી ખુશ્બુ કોઠારી ગભરાઇ ગઇ હતી. અને એક્ટીવા ઉપરથી કાબુ ગુમાવી દેતા એક્ટીવા ડિવાઇડરમાં ધડાકા સાથે ભટકાઇ હતી.જેમાં ગંભીર રીતે ઘાયલ યુવતીઓને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેમાં સારવાર દરમિયાન હતા જોષીનું મોત નીપજ્યું હતું.
પોલીસ મથકમાં ફરિયાદ: આ બનાવને લઈ ફતેગંજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઘટનાને લઈ કાર ચાલક કાંતિભાઈ પટેલ ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં કાર બ્રિજના ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેમાં કારણે આગળ અને પાછળના ભાગે નુકસાન થયું છે. સાથે આ ઘટનામ કાર ચાલકને પણ સામાન્ય હાથ અને માથાના ભાગે ઇજા પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.