વડોદરા : હાલ નકલી અને બોગસની બોલબાલા છે. આવા અનેક કિસ્સા પાછલા વર્ષમાં પ્રકાશમાં આવ્યા છે. ત્યારે નવા વર્ષની શરૂઆત સાથે જ વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં બોગસ પોલીસ રેડનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ત્રણ ઈસમોએ પોલીસ તરીકે નકલી ઓળખ આપી એક ખેતમજૂરના ઘરે રેડ પાડી નાણાં ખંખેરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શિનોર પોલીસે આ બોગસ પોલીસકર્મીઓનો થપ્પો કર્યો હતો. જાણો સમગ્ર મામલો
બોગસ પોલીસ રેડ : આ અંગે મળતી માહિતી અનુસાર વડોદરાના શિનોર તાલુકામાં પોઇચા ખાતે સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા આવેલા ત્રણ યુવકો પાસે નાણાં ખૂટી પડ્યા હતા. જોકે ગુનાહિત માનસિકતા ધરાવતા ઈસમોએ એક તુક્કો અજમાવ્યો અને શિનોર તાલુકાના મોટા કરાળા ગામે ગુનો આચરવા પહોંચી ગયા હતા. અહીં એક ખેતમજૂરના ઘરે જઈ પોલીસ તરીકેની નકલી ઓળખ આપી નાણાં ખંખેરવાનો પ્લાન બનાવ્યો હતો.
ત્રણ ભેજાબાજ આરોપી : આ ત્રણ ઈસમોએ ખેતમજૂરના ઘરે જઈ પોલીસ હોવાની ઓળખ આપી દારૂના જથ્થા અંગે તપાસ કરવા માટે બોગસ રેડ કરી હતી. ત્યારબાદ તેઓએ નાણાંની માંગણી શરૂ કરી તોડ કરવાની ફિરાકમાં હતા. ત્યારે જ શિનોર પોલીસે ત્રણેય ઈસમોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં ડભોઈના રહેવાસી જયેશભાઈ રમેશભાઈ રાજમલ અને વિક્રમભાઈ લક્ષ્મણભાઈ વસાવા તથા કપુરાઈ ગામના રહેવાસી નીલેશભાઈ પ્રકાશરાવ દેવરેની અટકાયત કરવામાં આવી છે.
આરોપીઓ અહીં ભૂલ કરી ગયા : ઉલ્લેખનિય છે કે, આ ત્રણેય ઇસમો ગામમાં દારૂનો જથ્થો પકડવા રેડ કરવા ગયા હોવાની જાણ શિનોર પોલીસના PSI એ.આર. મહીડા અને પેટ્રોલિંગમાં ફરજ બજાવતી શિનોર પોલીસ ટીમને થઈ હતી. જેથી શિનોર પોલીસ ટીમને સવાલ થયો કે, શિનોર પોલીસના કોઈ પોલીસકર્મી પાસે ઇકો ગાડી નથી, તો રેડ પાડવા ગયું કોણ ? તેની તપાસ કરવા શિનોર પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી.
પોલીસ કાર્યવાહી : નકલી પોલીસ બનેલા ઈસમો રેડ માટે ઇકો ગાડી લઈને જતાં પોલીસને શંકા ગઈ હતી. સેગવા ચોકડી અને મોટા કરાળા આસપાસ શિનોર પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે જ પોલીસ રેડનો સંદેશો મળતા પોલીસ ટીમ મોટા કરાળા પહોંચતા નકલી પોલીસના કારસ્તાનનો ભેદ ખુલ્યો હતો. સામાન્ય રીતે ઇકો ગાડીમાં કોઈ પોલીસ રેડ કરતા નથી, એટલે પોલીસની શંકા વધુ પ્રબળ બની હતી.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ : શિનોર પોલીસના જણાવ્યા મુજબ આરોપી જયેશ રાજમલ સામે બગોદરા, પાણીગેટ અને મવરણા પોલીસ મથકમાં ગુના નોંધાયેલા છે. જયેશ રાજમલને પાણીગેટ પોલીસ દ્વારા 2016 માં તડીપાર કરવામાં આવ્યો હતો. જ્યારે વિક્રમ વસાવા સામે બાપોદ પોલીસ મથકમાં ગુનો નોંધાયેલ છે. ત્રીજા આરોપી નીલેશ દેવરે સામે વાડી પોલીસ મથકે ગુનો નોંધાયો છે.