અમદાવાદ : તાજેતરમાં અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યાં કેટલાક અસામાજિક તત્વો તલવાર અને છરી સાથે દાદાગીરી કરતા જોવા મળ્યા હતા. બે શખ્સોએ તો બે પોલીસકર્મીઓને પણ છરો બતાવીને ભગાડી દીધા હતા. આમાંથી ત્રણ આરોપીઓને મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
આરોપીઓના રિમાન્ડ મંજૂર : આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાંથી ત્રણ આરોપી અલ્તાફ, ફઝલ અને મહેફુસને પોલીસે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કુલ 11 આરોપી, ચાર ઝડપાયા : આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, આ કેસમાં કુલ 11 આરોપીઓ છે અને આમાંથી ફરિયાદમાં 6 આરોપીઓના નામ છે. તેમાંથી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓ અત્યાર સુધી ફરાર છે. આ આરોપીઓ પાસે તલવાર અને છરા જેવા ઘાતક હથિયારો હતા, તેની રિકવરી લેવા બાકી છે. આરોપી પોતાના સહ-આરોપીઓની માહિતી આપતા નથી.
આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ : આ આરોપીઓ ગુનાહિત હિસ્ટ્રી ધરાવે છે. આ આરોપીમાંથી એક આરોપી ફઝલ સામે કુલ 16 ગુના નોંધાયેલા છે, જેને બે વાર પાસા અને એક વખત તડીપાર પણ કરવામાં આવ્યો છે. આ સિવાય આરોપી અલ્તાફ સામે કુલ 43 ગુના નોંધાયેલા છે, જેને પાંચ વખત પાસા થયેલ છે. આમાંથી ત્રીજા આરોપી મહફુઝ સામે ત્રણ ગુના રજીસ્ટર છે અને એક વખત તેને પણ પાસા થયેલ છે.
આરોપીના વકીલની દલીલ : આ અંગે સુનાવણી દરમિયાન આરોપીના વકીલે રિમાન્ડ આપવા વિરોધમાં દલીલો કરતા કહ્યું કે, આરોપીઓ 24 કલાક પોલીસ કસ્ટડીમાં રહ્યા છે, તેઓ જે જાણતા હતા તે જણાવ્યું અને ઇન્વેસ્ટીગેશનમાં સહકાર પણ આપ્યા છે. બીજા આરોપીઓને પકડવા માટે વર્તમાન આરોપીઓની ફિઝિકલ હાજરી જરૂરી નથી. સાથે જ આ આરોપીઓના પૂર્વ ગુના માટે હાલના ગુનામાં રિમાન્ડ આપી શકાય નહીં. અંતે કોર્ટે બંને પક્ષોની રજૂઆત સાંભળીને આરોપીઓને ત્રણ દિવસ રિમાન્ડ ઉપર મોકલ્યા છે.