વડોદરા: વડોદરા શહેરમાં વર્ષોથી ખંડેરાવ માર્કેટ ખાતે શાકભાજી, ફ્રૂટ અને ફૂલ બજાર ભરાય છે. હાલમાં કોરોના વાઈરસના લોકડાઉનના કારણે વડોદરા મહાનગરપાલિકાએ સાવચેતીના ભાગરૂપે શાકભાજી, ફ્રૂટ અને ફૂલ બજારને પોલો ગ્રાઉન્ડ ખાતે ખસેડવાનો નિર્ણય કર્યો હતો.
પાલિકા અને પોલીસની ટીમ દ્વારા માર્કેટને પોલો ગ્રાઉન્ડ ખાતે ખસેડવામાં આવ્યું હતું. તમામ ગ્રાહકો છૂટા-છવાયા રહે અને ભીડ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં આગામી 21 દિવસ સુધી લોકડાઉન છે. ત્યારે, લોકોને શાકભાજી, દૂધ, દવા, અનાજને લઈને મુશ્કેલી પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જેને લઈને જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત જિલ્લા કક્ષાએ ખાસ નિયંત્રણ કક્ષ ઉભો કરવામાં આવ્યો છે. જેથી ફળ અને શાકભાજી ખરીદવા માટે ભીડની સમસ્યા ટાળવા ફળ અને શાકભાજીના ફેરિયાઓને ગલીઓ, પોળો અને સોસાયટીઓમાં ફરીને વેચાણ કરવાની છૂટ આપવામાં આવી છે.