- વઢવાણા વેંટલેન્ડના લોકાર્પણ પૂર્વે હાલત દયનીય
- પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવા 5 કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવી
- સહેલાણીઓ માટે કોઈ સુવિધા ન હોવાથી સહેલાણીઓ મૂંઝવણમાં
વડોદરા :ડભોઇ તાલુકાનું એક માત્ર વિદેશી પક્ષી પ્રવાસન કેન્દ્ર વઢવાણા જ્યાં શિયાળાની ઋતુમાં લાખો પક્ષીઓ વિદેશોમાંથી પ્રવાસ કરી અહી 4 માસ માટે આવતા હોય છે. જેને ધ્યાનમાં રાખી વઢવાણા સિંચાઈ તળાવને વેંટલેન્ડમાં પરિવર્તિત કરી તેને પક્ષીધામ તરીકે પ્રખ્યાત કર્યું છે. અહીં હજારોની સંખ્યામાં દુર-દુરથી પ્રવાસીઓ પક્ષીઓ નિહાળવા આવતા હોય છે. જેને ધ્યાનમાં લઈ રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવા માટે અંદાજીત 5 કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવી વઢવાણા સિંચાઇ તળાવની આસપાસના વિસ્તારને વિકસાવવાનું બીડું ઉપાડયું હતું. 2 વર્ષ પૂર્વે તેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું અને કોન્ટ્રાકટરો દ્વારા તળાવ નજીક સુંદર બગીચો , 18 રૂમ વાળું ગેસ્ટહાઉસ , તેમજ 8 ટેન્ટ હાઉસ સહિત રમત-ગમતના સાધનો તેમજ પીવાના પાણીની પરબ અને શૌચાલય તેમજ કેન્ટીનનું નિર્માણ કર્યું હતું. પરંતુ લોકાર્પણ થાય તે પૂર્વે જ તમામ વિકાસના કામો ઉપર પાણી ફરી ગયું હોય તેવા આક્ષેપો થયા છે.
15મી નવેમ્બરથી વઢવાણા તળાવ ખાતે યાયાવર પક્ષીઓનું આગમન
આ અંગે અધિકારીઓ અને ગ્રામજનોનું કહેવું છે કે, કોન્ટ્રાકટર દ્વારા થયેલ કામગીરી ખૂબ હલકી ગુણવત્તાની છે. જેને કારણે વિકાસના કામોનું લોકાર્પણ થતાં પહેલાં બિસ્માર અને દયનીય થઈ જવા પામી છે. જ્યારે આ તળાવ સુધી પહોંચવા માટેનો 2 કિલોમીટર જેટલો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. જેથી સહેલાણીઓને અહીં પ્રવાસ માટે આવતાં સંકોચ ઊભો થાય છે. જ્યારે હવે ડભોઇ પંથકમાં શિયાળાની ઋતુનો પાપા પગલી સાથે પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આગામી 15મી નવેમ્બરથી વઢવાણા તળાવ ખાતે ખાસ યાયાવર પક્ષીઓનું આગમન દેશવિદેશમાંથી શરૂ થઈ જશે. ત્યારે વિકાસ કાર્યોનું આયોજન સફળ બનશે કે, કેમ તે સવાલો ઊભા થઈ રહ્યા છે. વઢવાણા સિંચાઈ તળાવ ખાતે પક્ષીઓના આગમનની સાથે જ સહેલાણીઓની પણ અવરજવર શરૂ થશે. પણ સહેલાણીઓ માટે કોઈ સુવિધા ન હોય ત્યારે આવનાર સહેલાણીઓમાં મૂંઝવણ ઊભી થઈ શકે છે.
નવી અને આધુનિક સુવિધાઓ ઊભી થાય તેવી સહેલાણીઓની માંગ
આગામી સમયમાં કોન્ટ્રાકટરો દ્વારા વિકાસના કામોનું લોકાર્પણ થતાં પૂર્વે કેવું કામ કરવામાં આવનાર છે તે જોવું રહ્યું. ફોરેસ્ટ વિભાગ આ કોન્ટ્રાકટર વિરુધ્ધ કોઈ કાર્યવાહી કરશે કે, કેમ તે હજી સુધી જાણવા મળ્યું નથી પણ વહેલી તકે વિકાસના કામો પૂર્ણ થઈ સહેલાણીઓ માટે નવી અને આધુનિક સુવિધાઓ ઊભી થાય તેવી અવાર નવાર આવતા સહેલાણીઓએ માંગ કરી છે.