- વડોદરાના ગોરવા મધુનગર રેલવે ટ્રેક પર યુવકનો મૃતદેહ મળ્યો
- યુવકનો મૃતદેહ લોહીથી લથપથ હતો
- ટ્રેનની અડફેટે યુવકનું મોત થયું હોવાનું અનુમાન
વડોદરાઃ વડોદરા નજીક મધુનગર રેલવે ટ્રેક પર આજે વહેલી સવારે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો હતો. પોલીસ અને આરપીએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ કરતા 16થી 17 વર્ષની ઉંમરનો કિશોર હોવાનું જણાયું હતું. યુવાનના માથે ગંભીર ઈજા જોવા મળી હતી. પ્રાથમિક તબક્કે ટ્રેનની અડફેટે કિશોરનું મોત થયું હોવાનું અનુમાન છે.
અન્ય એક યુવક બેભાન અવસ્થામાં મળ્યો
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ કિશોરના મૃતદેહની સાથે સાથે અન્ય એક યુવાન પણ બેભાન અવસ્થામાં મળી આવતાં બંને યુવકો પર હુમલો થયો હોવાની વાતને નકારી શકાય તેમ નથી. અન્ય યુવકને પોલીસે વડોદરાની એસેસજી હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે આ બનાવ અંગે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ વધુ તપાસનો દોર લંબાવ્યો છે.