- ગોત્રી કોવિડ હોસ્પિટલમાં નવા વર્ષના વધામણાં કરાયા
- કોરોના દર્દીઓને મીઠાઈની વહેંચણી
- દર્દીઓ હતાશ ન થાય તે માટેની અનોખી પહેલ
વડોદરાઃ નવા વર્ષની ઉજવણીને લઇને ગોત્રી કોવિડ હોસ્પિટલના કોરોના વૉર્ડમાં બલૂન તેમજ લાઇટિંગ કરીને સજાવટ કરવામાં આવી હતી.જેથી હતાશ થયેલા દર્દીઓમાં ઉત્સાહ જગાવી શકાય. હોસ્પિટલના મેડિકલ સ્ટાફ દ્વારા કોરોના દર્દીઓને મીઠાઈનું વિતરણ કરી દિવાળીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
દર્દીઓમાં કોરોના સામે લડવા માટેનો જુસ્સો વધાર્યો :
કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરની ગોત્રી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર્સ તેમજ નર્સિંગ સ્ટાફે દર્દીઓ સાથે હોસ્પિટલમાં જ દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરી હતી. રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ડૉક્ટર્સ તેમજ નર્સિંગ સ્ટાફનું દિવાળી વેકેશન રદ્દ કરવામાં આવ્યું છે, ત્યારે તમામ મેડિકલ સ્ટાફે કોરોનાના દર્દીઓને પોતાના પરિવારના સભ્યો સમજીને તેમની સાથે જ કોરોના વોર્ડમાં દિવાળીની અનોખી રીતે ઉજવણી કરી હતી. આ પ્રસંગે ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. શિતલ મિસ્ત્રી હાજર રહ્યા હતા અને દર્દીઓને કોરોના સામે લડવા માટેનો જુસ્સો વધાર્યો હતો અને ઝડપથી સાજા થવાની શુભકામનાઓ પાઠવી હતી.
હોસ્પિટલના સ્ટાફે વર્ષ દરમિયાન તમામ તહેવારો દર્દીઓ સાથે જ ઉજવ્યા
ગોત્રી હોસ્પિટલનો સ્ટાફ છેલ્લા 6 મહિનાથી રાત દિવસ એક કરીને કોરોનાના રોગીઓને રોગમુક્ત કરવાની ફરજ બજાવી રહ્યો છે. આ દરમિયાન આવેલા તમામ તહેવારો, પર્વો અને ઉત્સવો તેમણે લગભગ દવાખાનામાં દર્દીઓની સાથે જ ઉજવ્યા હતા. દરમિયાન કેટલાક જાતે સંક્રમિત થયા, સારવાર લીધી, રોગમુક્ત થયા અને પાછા દર્દી સેવામાં લાગી ગયા છે. સેવા ધર્મની પરંપરા પાળવા તબીબોએ અને અન્ય આરોગ્ય કર્મચારીઓએ પર્વની રજાઓ, વેકેશનનો ભોગ આપ્યો છે અને આ સાથે દર્દીઓને દવાખાનામાં ઘરની જેમ જ તહેવારોની ઉજવણીનો અનુભવ કરાવ્યો છે.