વડોદરાઃ વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં વેપારીએ સ્યુસાઇડ નોટ (Vadodara police Suicide case) લખી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતકની સ્યુસાઇડ નોટમાં વિધર્મી મિત્રએ બ્લેકમેલ કરી 4.50 લાખની રકમ પડાવી વધુ નાણાંની માંગ કરતા નાણાં ન હોય તેમજ બદનામીથી બચવા મોતને વ્હાલું કર્યાનો ઉલ્લેખ છે. મૃતકના પિતાએ હનીટ્રેપની શંકા ઉપજાવી ફરિયાદ નોંધાવતા સિટી પોલીસે તપાસ હાથ ધરી છે
માનસિક ત્રાસની વાતઃ વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં રહેતા અને ભાંડવાડા મારવાડી મહોલ્લા પાસે ઘંટીની દુકાન ધરાવતા 30 વર્ષીય મયુરભાઈ પટેલની અચાનક તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જોકે આત્મહત્યા (Vadodara police investigation) પાછળ માનસિક ત્રાસ જવાબદાર હોવાનું જણાતા મૃતકના પિતાએ તપાસ હેતુ સીટી પોલીસ મથકનો સંપર્ક સાંધ્યો હતો. મૃતકના પિતા દીપકભાઈ પટેલે સીટી પોલીસ મથકે નોંધાવેલી અરજીમાં જણાવ્યું હતું કે દીકરાની અચાનક તબિયત લથડતા તેને પ્રથમ ખાનગી હોસ્પિટલ લઈ ગયા બાદ વધુ સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
દવાની બોટલ મળીઃ દરમિયાન અમને બે દવાની બોટલ મળી આવી છે. જેમાં ઝેરી પ્રવાહી હોવાની શંકા છે. મારા દીકરાએ આપઘાત કર્યો નથી પરંતુ કોઈક વ્યક્તિના દબાણથી આ પગલું ભર્યું છે.મારા દીકરાના લઘુમતી સમાજના મિત્રએ આ બાબતે ઘટસ્ફોટ કર્યો છે. તેણે મારા દીકરાની આપેલી સ્યુસાઇડ નોટમાં હેન્ડરાઇટિંગ મારા દીકરાના જ છે. 7.50 લાખ જેટલી રકમ પડાવી વધુ પાંચ લાખની માંગણી કરી હતી.
ધમકી આપી હતીઃ અગાઉ મારા દીકરાને દુકાન ઉપર જઈ પણ ધમકાવ્યો હતો. હની ટ્રેપની શક્યતા હોય પોલીસને મારા દીકરાના કોલ રેકોર્ડિંગ સોપ્યા છે. આ સત્ય હકીકત બહાર લાવનાર મારા દીકરાનો વિધર્મી મિત્ર જ છે. હાલ મૃતકે આપઘાત કર્યો છે કે પછી કોઈના દબાણથી જીવનનો અંત આણ્યો છે તે દિશામાં તપાસ પોલીસે હાથ ધરી છે. સ્યુસાઇડ નોટમાં મૃતકે ઉલ્લેખ કર્યો છે કે, હું અંતિમ પગલું મારી મરજી વિરુદ્ધ ભરી રહ્યો છું. તેનું એકમાત્ર કારણ દરવેશ મલેક છે.
આ વ્યક્તિ મને ખોટી રીતે ફસાવી રૂપિયા પડાવી રહ્યો છે.અત્યાર સુધી તેને ટુકડે ટુકડે 4.50 લાખની રકમ ચૂકવી છે.મારી જોડે રૂપિયા ખૂટી પડતા રૂપિયાની ઉઘરાણી બંધ કરવા જણાવ્યું હતું. સામે જવાબ આપ્યો હતો કે ,આ અમારું કામ છે અમે બધાને આ જ રીતે ફસાવીને રૂપિયા પડાવીએ છીએ.તારી પાસે રૂપિયા ન હોય તો હું પોલીસ કેસ કરી તને હેરાન કરી પછી સમાધાન માટે રૂપિયા માંગીશ.અથવા તો તને આ દવા આપું છું તે ખાઈને મરી જા. તારી પત્નીને મારી સાથે આ કામે લગાવી દઈશ. વધુમાં મૃતકે જણાવ્યું હતું કે, હું સામેવાળી વ્યક્તિને જવાબ આપવા સશક્ત છું. ધારું તો તેની હત્યા પણ કરી શકું છું. પરંતુ તેના ચાર બાળક છે. જે વિચારી હત્યાનો ઇરાદો ટાળી નાખ્યો છે--મૃતકની સ્યુસાઈટ નોટમાંથી