લાલબાગ સ્થિત પોલીસ ટ્રેનીંગ પરેડ ગ્રાઉન્ડ નજીક પોલીસ આવાસના મકાનો બની રહ્યાં છે. કન્સટ્રક્શન સાઇટ પરથી માટી ભરીને અન્ય સ્થળે ઠાલવવા માટે બે ડમ્પર કામ કરી રહ્યાં હતા. જે પૈકીના ડમ્પર ચાલક જીતુભાઇ શોઢા આજે બપોરે 3 વાગ્યાના અરસામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં માટી ઠાલવીને પરત સાઇટ પર જઇ રહ્યાં હતા. ત્યારે ડમ્પરની હાઇડ્રોલીક ટ્રોલી પુરતી બંધ થઇ ન હતી. દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડના ગેટ પાસે ઢાળ હોવાથી ડમ્પરની ઊંચી રહી ગેયલી ટ્રોલી ધડાકાભેર આરસીસી ગેટના સ્લેબ સાથે ભટકાઇ હતી. અંદાજીત 2000 કિલો ગ્રામ વજન ધરાવતા આરસીસી ગેટનો સ્લેબ તુંટીને ડમ્પરના કેબીન ઉપર પડ્યો હતો.
બોમ્બ ફુટ્યો હોય તેવા ધડાકા સાથે અવાજ આવતાં આસપાસમાં રહેતા લોકો તેમજ એસઆરપીના અધિકારીઓ તથા કર્મચારીઓ તાત્કાલીક દોડી આવ્યાં હતા. ભારેભરખમ સ્લેબ ડમ્પરના કેબીન ઉપર પડતા ડમ્પર ચાલક છુંદાઇ ગયો હતો. પરંતુ તેનામાં હજી જીવ હતો, જેથી ફાયર બ્રીગેડને બોલાવી તેને તાત્કાલીક બહાર કાઢી લઇ 108 મારફતે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં લોહીમાં લથબથ ડમ્પર ચાલકની તબીબે તપાસ કરતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો.