વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકામાં લામડાપુરા પાસે એક સિક્યુરિટી ગાર્ડ ડમ્પરની અડફેટે આવતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ભાદરવા પોલીસને જાણ થતા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સાવલીના લામડાપુરાથી મંજુસર જીઆઈડીસી તરફ જતા માર્ગ પર ડમ્પરની અડફેટે આવતા ખાનગી કંપનીના સિક્યુરિટી ગાર્ડનું મોત નીપજ્યું હતું. ભાદરવા પોલીસે આ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પસવા ગામે રહેતાં ભાઈલાલભાઈ મોતીભાઈ રોહિત મંજુસર જીઆઈડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકેની નોકરી કરતાં હતાં. મંગળવારે વહેલી સવારે તેઓ પોતાની ટ્રુ-વ્હીલર ગાડી પ્લેઝર મોપેડ લઈ નોકરી પર જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન વહેલી સવારના સાડા છ વાગ્યાના અરસામાં લામડાપુરાથી મંજુસર જીઆઈડીસી તરફ જવાના માર્ગે માંતેલા સાંઢની ગતિએ આવી ચઢેલા ડંમ્પરે ભાઈલાલભાઈને અડફેટે લેતાં તેઓ પોતાના વાહન સમેત દુરસુધી ફંગોડાયા હતા. તેમને ગંભીર ઈજા પહોંચતા ભાઈલાલભાઈનું ઘટનાસ્થળે જ મોંત નીપજ્યું હતું.