વડોદરા: કહેવાય છે કે ખાડો ખોદે તે પડે. પરંતુ આ કહેવત વડોદરામાં ખોટી સાબિત થઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલ ખાડાની અંદર શહેરના નાગરિકો પડી રહ્યા છે. એક રીક્ષા ચાલકની આખી રીક્ષા ખાડામાં ગરકાવ થઈ ગઈ હતી. ત્યારે આ નિદ્રાધીન તંત્ર ક્યારે જાગશે. આ ઘટનાની જાણ જવાબદાર કોન્ટ્રાક્ટરને થતા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.
આખી રીક્ષા ખાડામાં ગરકાવ: પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ પર ગુરુકુળ ચાર રસ્તા પાસે તંત્રએ કામગીરી કરી બેરીકેટિંગ વગર ખાડો ખુલ્લો મુકવામાં આવેલો છે. આ માર્ગ પરથી હજારો વાહનો પસાર થતા હોય છે. આ ખાડામાં આજે શહેરના નાગરિકની રીક્ષા આખે આખી ગરકાવ થઈ ગઈ હતી. આજે સવારથી આ ખાડામાં પડેલી રિક્ષા જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યાં હતા.
નાગરિકોના ટેક્સના નાણાંનો વેડફાટ: તંત્ર દ્વારા કરવામાં આવેલી આવી કામગીરીને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોવા છતાં પણ તંત્ર દ્વારા આટલી ગંભીર બેદરકારી શા માટે? સામાન્ય માણસ દ્વારા ટેક્સના રૂપિયા તો ભરવામાં આવે છે, છતાં પણ તેના નાણાંનો ઉપયોગ કરવામાં આવતો નથી અને આવી ઘટનાઓ સામે આવી રહી છે.
તાત્કાલિક કોન્ટ્રાક્ટરે કામગીરી શરૂ કરી: આ ઘટનાની જાણ જવાબદાર કોન્ટ્રાક્ટરને થતા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ જગ્યા પર ડ્રેનેજ લાઈનની સમારકામની કામગીરી ચાલી રહી હતી. જેનો ખાડો ખોદેલો હતો અને રીક્ષા ખાબકતા સમગ્ર મામલો બહાર આવતા તાત્કાલિક જવાબદાર કોન્ટેક્ટરે સ્થળપર પોહચી કામગીરી શરૂ કરી હતી. આ કામગીરીના પગલે વાહન વ્યવહાર પર ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી.