શહેરમાં દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત વિઠ્ઠલનાથજી મંદિરમાં બિરાજમાન ભગવાન વિઠ્ઠલનાથજીનો ભવ્ય વરઘોડો સવારે 9 કલાકે નીકળ્યો હતો. પંરપરાગત રીતે મહારાજા ગાયકવાડ પરિવારે ભગવાનની પૂજા-અર્ચના કરી હતી. જે બાદ 'વિઠ્ઠલ..વિઠ્ઠલ..વિઠ્ઠલા...' જયઘોષ સાથે નગરયાત્રાએ નીકળ્યા હતાં. આ તરફ સામેથી નગરજનોને દર્શન આપવા નીકળેલા ભગવાનના દર્શન માટે રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતાં. આ વરઘોડો બપોરે 1 કલાકે શ્રીમંત ગહીનાબાઇ બાગ લિંબુવાડીમાં ગહિનેશ્વર મંદિર ખાતે પહોંચ્યો હતો. જ્યાં બપોરે હરિ-હરનું મિલન થશે.
આ ઉપરાંત એકાદશીના દિવસે રાત્રે 9 કલાકે એમ.જી રોડ પર આવેલા રણછોડ મંદિર ખાતેથી ભગવાનનો વરઘોડો નીકળશે. જ્યારે એકાદશીના દિવસે જ નરસિંહજીની પોળમાં આવેલા મદનમોહનજીના મંદિરમાં તુલસીજીના લગ્ન નિમિત્તે તુલસીજીની શોભાયાત્રા નીકળશે. જ્યારે 9 નવેમ્બરે દલાપટેલની પોળમાં રામજીમંદિરનો વરઘોડો નીકળશે. 12 નવેમ્બર દેવ-દિવાળીના દિવસે નરસિંહજીનો વરઘોડો નીકળશે. આ ઉપરાંત વિરાસાની પોળમાં નરસિંહ ભગવાનનો લગ્નમહોત્સવ પણ ઉજવાશે.