વડોદરાઃ જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે તાકીદની બેઠક બોલાવી વડોદરા શહેર-જિલ્લામાં કલમ 144 લાગુ કરવાના આદેશ આપ્યાં હતાં. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, મકરપુરાનો કોરોના પોઝિટિવ યુવાન 27 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી સ્પેનની યાત્રાએ ગયો હતો. તે 8 માર્ચે મુંબઇ આવ્યો હતો.
વધુમાં તેમણે કહ્યું કે, 10 માર્ચે વડોદરા આવ્યા બાદ 10 લોકોના સંપર્કમાં આવ્યો હતો. આ તમામ 10 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતો 49 વર્ષીય વ્યક્તિ સ્પેન ગયો હતો. તેને સતત 3 દિવસ શરદી-ખાંસી શરૂ થવા સાથે તબિયત લથડતા તે 10 માર્ચે વડોદરા પરત આવી ગયો હતો અને મંગળવારે મોડીરાત્રે તે સયાજી હોસ્પિટલમાં દોડી ગયો હતો. હોસ્પિટલ દ્વારા તેનામાં કોરોનાના પ્રાથમિક લક્ષણો જોઇને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી દીધો હતો.
મકરપુરા વિસ્તારના યુવાનનો કોરોના વાઇરસનો કેસ પોઝિટિવ આવતા મકરપુરા વિસ્તારની સોસાયટીમાં કોર્પોરેશનની આરોગ્ય વિભાગની સાત ટીમો દ્વારા સેનેટાઇઝર્સની કામગીરી શરૂ
કરી દેવામાં આવી છે.
વડોદરા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, કોરોના અટકાવવાની તકેદારીરૂપે વડોદરા જિલ્લામાં કલમ-144ની કલમનો વ્યાપક અમલ લાગુ કરતું જાહેરનામું બહાર પાડી લોકોના ટોળા ભેગા થવા, સભા અને સરઘસો, મેળા, મેળાવડા યોજવા સહિતની બાબતોની સખત મનાઈ ફરમાવવામાં આવી છે. તેનું ઉલ્લંઘન કાયદેસરની કાર્યવાહીને પાત્ર રહેશે. મોલ, મલ્ટીપ્લેક્સ, જીમ, સિનેમા હોલ, કલબ, નાટયગૃહો, ડાન્સ ક્લાસીસ, ટ્યુશન ક્લાસિસ, સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ જેવી જગ્યાઓ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
શહેર પોલીસ કમિશ્નર દ્વારા વડોદરા શહેરી વિસ્તારમાં આ પ્રકારના નિયમનો લાગુ કરવામાં આવી રહ્યા છે. લોકોને પણ અફવાઓથી ગેરમાર્ગે ના દોરાવા અને ભયગ્રસ્ત બન્યા વગર સાવચેતીઓનું પાલન કરવા, ઘર બહાર જવાનું ટાળવા અને વારંવાર સાબુથી હાથ ધોવા ખાસ અનુરોધ કર્યો છે.