- અધિકારીઓને મતપેટીઓ સહિતની સામગ્રીનું વિતરણ કરાયું
- કરજણની બેઠક પર આવતી કાલે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે
- 311 મતદાન મથકો પર થશે મતદાન
કરજણઃ કરજણ વિધાનસભાની પેટાચૂંટણી માટે સોમવારે ચૂંટણી પંચના અધિકારીઓને મતપેટીઓ સહિતની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.
311 મતદાન મથકો ખાતે મતદાન યોજાશે
કરજણ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, કરજણ બેઠકની પેટાચૂંટણી મંગળવારે 3 નવેમ્બરના રોજ 311 મતદાન મથકો ખાતે મતદાન કરાવવાની તંત્ર દ્વારા ઝીણવટપૂર્વક વ્યવસ્થા કરવામાં આવી છે. નિર્ભય-સુરક્ષિત મતદાન માટે સુચારુ પોલીસ બંદોબસ્ત પેટ્રોલિંગ તેમજ મતદાન મથકો ખાતે સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ કરાઇ વ્યવસ્થા
ચૂંટણી પંચની સૂચના અનુસાર કોવિડ-19 સામે સુરક્ષાની તકેદારીઓનું ચુસ્ત પાલન થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. કરજણ બેઠકના તમામ મતદારો મતાધિકારનો ઉપયોગ કરે તેવો ખાસ અનુરોધ કરવાની સાથે તેમણે સૌને શાંતિપૂર્ણ અને નિર્ભય,તટસ્થ મતદાનમાં સહયોગ આપવા જણાવ્યું હતું. કરજણ બેઠક પરથી 9 હરીફ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. વિજાણુ મત પત્રક પર 9 ઉમેદવારો પછી 10મો વિકલ્પ નોટાનો રહેશે. એક પણ ઉમેદવાર પસંદ ના હોય તો મતદારો નોટાનો વિકલ્પ અપનાવી શકે છે.