વડોદરા : શહેરની યુવતીએ વર્ક પરમીટ ઉપર કેનેડા જવાના ચક્કરમાં રૂપિયા 2.95 લાખ ગુમાવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેનેડાના વર્ક પરમીટના બહાને નાણાં પડાવ્યા બાદ પરત ન કરનાર ભેજાબાજ સામે યુવતીએ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ : મકરપુરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં અનુસાર શહેરના છાણી વિસ્તારમાં જાદવ પાર્કમાં દીપ્તિ પ્રવિણભાઇ પરમાર પરિવાર સાથે રહે છે. ચાર માસ અગાઉ ટ્રાય કલર હોસ્પિટલમાં મિલાપ વિનાયક બરવે સાથે પરિચય થયો હતો. તે સમયે તેણે પોતે કેનેડા વિઝા વર્ક પરમિટનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું. આથી તેઓ મિલાપ બરવેની મકરપુરા ડેપો સી-412, હબટાઉન ખાતે આવેલ ઓફિસમાં ગયા હતા.
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યા : આ દરમિયાન ઓફિસમાં દિપ્તી પરમાર કેનેડા વર્ક પરમિટ માટેના જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા. ત્યારબાદ મિલાપ બરવેને ગુગલ પે દ્વારા રૂપિયા 50 હજાર ટ્રાન્સફર કર્યા હતા. તે બાદ ચાર દિવસ પછી મિલાપે ફોન કરીને દિપ્તી પરમારને જણાવ્યું હતું કે, કેનેડા માટે આગળની પ્રોસેસ કરવાની હોવાથી જે નંબર આપું તેના ઉપર પૈસા ટ્રાન્સફર કરો. આથી તેઓએ ભરતભાઇ નામના વ્યક્તિને રૂપિયા 65 હજાર ગુગલ પે કર્યા હતા. બે દિવસ બાદ મિલાપના કહેવાથી રૂપિયા 25 હજાર અલ્પેશ રાજને ગુગલ પે દ્વારા ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત શુભમ જાદવ, વિનાયક બરવે,અલગ અલગ બહાને ટુકડે ટુકડે 2.95 લાખની રકમ ચૂકવી હતી.
આ પણ વાંચો : Ahmedabad Crime: છેતરપીંડીના અનેક ગુનાનો નિકાલ, વેપારીઓને કરોડો રૂપિયા મળ્યા પરત
ભેજાબાજે ગોળગોળ ફેરવી : ભેજાબાજ મિલાપે દિપ્તી પરમારનું મુંબઇ ખાતે મેડિકલ પણ કરાવી દીધું હતું. મેડિકલનું કામ પૂર્ણ કરીને પરત વડોદરા આવ્યા બાદ દિપ્તી પરમારને મિલાપ બરવેને કેનેડા વર્ક પરમીટના કામ અંગે પૂછતાછ કરતા ગોળગોળ જવાબો આપવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન મિલાપ બરવેએ ફોન પણ બંધ કરી દીધો હતો. દિપ્તી પરમારને પોતે છેતરાઇ હોવાનું જણાતા મિલાપ પાસે પોતે આપેલા નાણાં પરત માગવાનું શરૂ કર્યું હતું. પરંતુ, મિલાપ નાણાં પણ પરત આપતો ન હતો.
આ પણ વાંચો : Banaskantha Crime કારીગરે શેઠને લૂંટવાનું કાવતરું રચ્યું, નકલી ઇન્કમટેક્સ અધિકારી બની છેતરપિંડી આચરી
છેતરપિંડી વિશ્વાસઘાત અંગે ફરિયાદ : દરમિયાન દિપ્તી પરમારને પોતે કેનેડા જવાની આશામાં નાણાં ગુમાવ્યા હોવાનું જણાતા મિલાપ વિનાયક બરવે સામે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મકરપુરા પોલીસે મિલાપ બરવે સામે છેતરપિંડી, વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.