- વડોદરાના લાલબાગ બ્રિજની નીચે વિદ્યાર્થીઓને બોગસ માર્કશીટ ડિગ્રી સર્ટી આપનાર ઝડપાયો
- પોલીસે કોર્ટમાંથી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા
વડોદરા: શહેરની નવાપુરા પોલીસે ગત 29 નવેમ્બરે પેમેન્દ્ર હસમુખભાઈ બેન્કર નામના ઇસમને ડુપ્લીકેટ માર્કશીટો સાથે ઝડપી પાડયો હતો. આ અંગે વધુ કાર્યવાહીમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં પોલીસે તેના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
2017 થી 2019ની જુદી જુદી યુનિવર્સિટી તથા બોર્ડની માર્કશીટ અને સર્ટિફિકેટો મળી આવ્યા
નવાપુરા પોલીસને તપાસ દરમિયાન આરોપી પાસેથી વર્ષ 2017 થી 2019 ની અલગ-અલગ યુનિવર્સિટીઓ તથા બોર્ડની માર્કશીટ તેમજ સર્ટિફિકેટો મળી આવ્યા હતા. આરોપી વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા લઈ પરીક્ષા આપ્યા વગર જ યુનિવર્સિટીઓની ડુપ્લીકેટ માર્કશીટ તથા ખોટા સહી સિક્કા કરી વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું હતું.
માઉન્ટઆબુ ખાતે આવેલી માધવ યુનિવર્સિટીમાં કામ કરતા એક ઈસમ પાસે બનાવતો માર્કશીટ
આરોપીએ કબૂલાત કરી હતી કે યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાના બહાને વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ માઉન્ટઆબુ ખાતે આવેલી માધવ યુનિવર્સિટિમાં કામ કરતા અવધેશ દીક્ષિતને વોટ્સઅપ કરી તેની પાસેથી ધોરણ 10 અને 12 તેમજ કોલેજની ડિગ્રીના સર્ટીફીકેટ તૈયાર કરાવ્યું હતું અને પોતે લાલબાગ બ્રિજ નીચે જઈ વિદ્યાર્થીઓને આપવાનો હતો. નવાપુરા પોલીસે આરોપીની ઘનિષ્ટ પૂછપરછ કરવા આરોપીને બુધવારે અદાલતમાં રજૂ કરી દસ દિવસના રિમાન્ડની માંગણી કરતા અદાલતે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આરોપી પાસેથી મળી આવેલ માર્કશીટ પરના નામો કોના છે તેમજ માઉન્ટ આબુમાં રહેતો સહ આરોપી છે કે કેમ તે સહિતના મુદ્દાઓને લઈને વધુ તપાસ હાથ ધરી છે.