વડોદરા: 9 ડિસેમ્બરે એટલે કે આવતીકાલે વડોદરામાં મરાઠા સેવા સંઘ સંસ્થાનું બીજુ રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. આ અધિવેશન વડોદરા - ડભોઈ રોડ ઉપર આવેલા દાદા ભગવાન મંદિર ખાતે યોજાનાર છે. જે મરાઠા સેવા સંઘ સંસ્થાનું બીજું અધિવેશન છે. જેનો હેતું "સંપ ત્યાં જંપ"ના સૂત્રને અનુલક્ષીને સમગ્ર દેશમાંથી મરાઠા સંઘના સભ્યો એક મંચ ઉપર એકત્રીત કરવાનો છે, અને આ એકતા અને મંચ પરથી મહારાષ્ટ્રીયન સમાજના સભ્યોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો છે.
મહાનુભાવોની હાજરી: આ અધિવેશનમાં છત્રપતિ શિવાજી મહારાજના વંશજ રાજવર્ધન કદમ બાંડે, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સુરતનાં ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત દેશમાંથી 350થી વધુ લોકો જોડાશે. આ ઉપરાંત હીરાકણની મહિલા મંડળની ટીમની 25 મહિલાઓ દ્વારા આ અધિવેશનમાં સેવા આપવામાં આવશે. આ અધિવેશનમાં મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને ગુજરાતમાં આવતા મહાનુભાવોને ગુજરાતના ગરબા જોવાની ખૂબ જ ઈચ્છા હોવાથી આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
અધિવેશનનો ઉદ્દેશ્ય: મરાઠા સેવા સંઘના અધ્યક્ષે આ અધિવેશનને લઈને જણાવ્યું હતું કે, સરકારની કેટલીક યોજનાઓમાં જેમ કે, મરાઠા આરક્ષણને લઇને સરકારનો જે પણ નિર્ણય હશે તેમાં સંઘના સભ્યો તેની તરફેણમાં રહશે. આરક્ષણ તરફ નહીં પણ આપણે સરકારના નિર્ણય સાથે સંમત રહેવાનું આહવાન કર્યુ હતું. વડોદરામાં વસતા અને મહારાષ્ટ્ર સમાજને લગતા કેટલાંક પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે. જેમાં મરાઠા- મહારાષ્ટ્ર સમાજના વિકાસ માટેના મંતવ્ય પ્રગટ કરવામાંઆવશે. વડોદરાના મરાઠા- મહારાષ્ટ્ર સમાજને લગતા કેટલાંક પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે, તેમજ સમાજને એકત્રીત કરી વિકાસલક્ષી ચર્ચા પણ કરવામાં આવશે. ભારત દેશની અંદર વસતા મરાઠા સમાજના લોકો અને તેમની ભાવિ પેઢી પણ આ અધિવેશનમાં ભાગ લેવા માટે આવી રહી છે. આ અધિવેશનમાં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓને બહારની પ્રવૃતિઓમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને તેમને આગળ લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
સમગ્ર કાર્યક્રમની રૂપરેખા: 9 ડિસેમ્બરે એટલે કે આવતી કાલે દાદા ભગવાનના મંદિર ખાતેથી સવારે 9:00 કલાકે એક કિલોમીટરની યાત્રા કાઢવામાં આવશે, મરાઠી સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય અર્થે રેલી યોજવામાં આવશે. જેમા ભજન-કિર્તન મંડળીઓ પણ જોડાશે, તેમજ વેશભૂષા સ્વરૂપે નાના છોકરાઓ શિવાજી મહારાજ અને છોકરીઓ જીજાબાઈના પાત્રોમાં ભાગ લેશે. આ યાત્રામાં મહારાષ્ટ્રથી ખાસ 8 કલાકાર સંભળ વગાડવા માટે આવશે. આમ મરાઠા સમાજ એક જ મંચ ઉપરથી એકત્રિત થઈ પોતાના સમાજની એકતા પ્રદર્શિત કરશે.