- સમતા વિસ્તારમાં આધેડની હત્યા થતાં ચકચાર મચી
- પોલીસને મૃતકના ભત્રીજા પર શંકા જતા પૂછપરછ કરી
- આધેડની હત્યાનો ભેદ ઉકેલવામાં લક્ષ્મીપુરા પોલીસને સફળતા
વડોદરા : શહેરના સમતા વિસ્તારમાં આવેલ નારાયણ નગરમાં થયેલી આધેડની હત્યાનો ભેદ ઉકેલવામાં લક્ષ્મીપુરા પોલીસને સફળતા મળી છે. આ હત્યામાં સંડોવાયેલ ભત્રીજાની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાએ લક્ષ્મીપુરા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
શહેરના સમતા વિસ્તારમાં આવેલ નારાયણનગરમાં રહેતી મહિલાએ લક્ષ્મીપુરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે 11:30 વાગ્યે હું ઘરે હાજર હતી. તે વખતે બાજુમાં રહેતો યુવક દિપેન્દ્ર પાંડે દાદરમાં બેસીને રડી રહ્યો હતો. જેથી તેને પૂછતા તેણે જણાવ્યું કે, મારા કાકાને કોઈકે મારી દીધા છે અને મેં બહાર આવી જોયું તો લાકડાનો દરવાજો ખુલ્લો હતો અને લોહીલુહાણ હાલતમાં એક વ્યક્તિ ઉંધામાથે ઘરમાં પડયો હતો. જેથી મે પોલીસને જાણ કરતાં લક્ષ્મીપુરા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. તપાસ કરતા ચપ્પુ જેવા હથિયારથી યુવકને ઘા ઝીંક્યા હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસને ભત્રીજા દીપેન્દ્ર પાંડે પર શંકા જતા અટકાયત કરી
લક્ષ્મીપુરા પોલીસે આ મામલે આસપાસના લોકોનું નિવેદન લીધું હતું. જેમાં મૃતકના ભત્રીજાનું પણ નિવેદન લેવાયું હતું. જે અંગે તેની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસે ભત્રીજા દીપેન્દ્ર પાંડેની અટકાયત કરી તેની ઘનિષ્ટ પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને આ હત્યા પોતે કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી લક્ષ્મીપુરા પોલીસે હત્યારા ભત્રીજાની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરાવવા માટે આરોપી ભત્રીજાને ગોત્રી કોવિડ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ હત્યારા ભત્રીજાની ધરપકડ કરવામાં આવશે. પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલ ચપ્પુ પણ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
બે દિવસ અગાઉ અમરેન્દ્ર પાંડેએ દારૂ પીને કરી હતી ધમાલ
અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક અમરેન્દ્ર પાંડેને તેના વતનમાં પણ કેસ ચાલે છે. બે દિવસ અગાઉ અમરેન્દ્ર પાંડેએ દારૂ પીને ધમાલ કરી હતી. તેનો ભત્રીજો દિપેન્દ્ર પાંડેઅએ પોલીસમાં ફોન કરતા પોલીસ અમરેન્દ્રને પકડી ગઈ હતી. ત્યારબાદ અચાનક કોઈ અજાણ્યા શખ્સોએ અમરેન્દ્ર પાંડેની હત્યા કરી દેતા ચકચાર મચી હતી. જોકે, અંતે ભત્રીજાએ જ પોતાના કાકાની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.