વડોદરાઃ સમગ્ર વિશ્વમાં વ્યાપેલા કોરોના વાયરસને નાથવા પ્રયત્નો થઈ રહ્યાં છે ત્યારે, ભારતીય ઋષિમુની પરંપરા પ્રમાણે આ કોરોનાના જીવાણુઓને રોકવા શાસ્ત્રોમાં જણાવ્યાં મુજબ મંત્ર શક્તિના પ્રભાવ થકી લક્ષ્મણ રેખા દોરવાનો સંકલ્પ છેલ્લાં 7 દિવસથી વડોદરા શહેરનાં ભુ-દેવોએ ગાયત્રી ઉપાસક હર્ષદબાપાની આગેવાનીમાં કર્યો છે.
તે માટેની શાસ્ત્રોક્ત વિધિ પણ કરવામાં આવી હતી. રવિવારે શહેરનાં સયાજી હોસ્પિટલ ખાતે આવેલા શ્રી ઉદયનારાયણ મહાદેવ મંદિર પાસે પૂર્ણાહુતી નિમિત્તે યજ્ઞની ભસ્મ અને જળ દ્વારા શહેરની ચારેય દિશાઓમાં એક લક્ષ્મણ રેખા બાંધવાના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જેમાં સાંસદ રંજનબેન ભટ્ટ, રાજય કક્ષાના પ્રધાન યોગેશ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ભાર્ગવ ભટ્ટ, પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ માઁ ભગવતીને પ્રાર્થના કરી હતી કે, સમગ્ર વિશ્વ કોરોના વાયરસથી મુક્ત બને.