વડોદરા શહેરના કિશનવાડી શાક માર્કેટના લારી ધારકોને પાલિકા દ્વારા સ્થળાંતર કરાતા જે જગ્યા અનુકૂળ ના આવતા લારિધારકોમાં રોષ જોવા મળ્યો છે. મંગળવારે નેશનલ કોંગ્રેસ પાર્ટી વડોદરાના ઉપ પ્રમુખ ભૂમિકા સિંધીની આગેવાનીમાં લારી ધારકોનો મોરચો પાલિકાની વડી કચેરીએ પહોંચ્યો હતો
જ્યાં લારી ધારકોએ ભારે સુત્રોચ્ચારો કરી તંત્ર સામે નારાજગી દર્શાવી મ્યુનિસિપલ કમિશ્નર નલિન ઉપાધ્યાયને રજુઆત કરી કિશનવાડી ખાતેજ શાક માર્કેટમાં જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી. ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ લારી ધારકોએ આ બાબતે પાલિકામાં રજુઆત કરી હતી. તેમ છતાં તેઓની વાત ધ્યાને લેવામાં આવી નથી.
છેલ્લા ઘણા વર્ષોથી કિશનવાડી ગધેડા માર્કેટમાં લારીધારકો શાકભાજીની લારીઓ લગાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. હાલમાં તેઓને કિશનવાડી માર્કેટમાંથી કોટિયાર્ક નગર પારસ સોસાયટી નજીક સરકારી સ્કૂલ પાસે સ્થળાંતર કરવામાં આવ્યા છે. જે જગ્યા તેઓને માફક આવી નથી. જેના કારણે તેઓને ગુજરાન ચલાવવા મુશ્કેલીઓ પડી રહી છે.
પાલિકા દ્વારા દબાણ હેઠળ લારીઓ હટાવવામાં આવી હતી. જેના કારણે તેઓની રોજી રોટી છીનવાઈ ગઈ હોવાના લારી ધારકોએ આક્ષેપ કર્યા છે. જેથી કિશનવાડી ખાતેજ જગ્યા આપવામાં આવે તેવી માગ સાથે લારી ધારકોએ મ્યુનસિપલ કમિશ્નરને રજુઆત કરી હતી. અને માગ સ્વિકારવામાં નહીં આવે તો ભૂખ હળતાલ કરવાની ચીમકી લારી ધારકોએ ઉચ્ચારી હતી.