વડોદરા: ભારતીય જનતા પાર્ટી હંમેશા સંગઠનમાં ક્યાંકને ક્યાંક નવું કરવા જાણીતી પાર્ટી છે. આ સાથે ભારતીય જનતા પાર્ટીમાં એક પરિવાર એક વ્યક્તિ એક હોદ્દા સાથે હંમેશા કામગીરી કરતી હોય છે. ત્યારે આજે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં એકાએક ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલે રાજીનામું આપી દીધું છે. હવે કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ (નિશાળિયા)ની નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. ત્યારે ચોક્કસથી આવનારી લોકસભાની ચૂંટણીને લઈ ફેરફાર કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.
રાજીનામા પાછળનું કારણઃ જિલ્લા ભાજપ સંગઠનમાં એકાએક અશ્વિન પટેલે રાજીનામું આપતા ચર્ચાએ જોર પકડ્યું છે. અશ્વિન પટેલે વ્યક્તિગત સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હોવાની વાત છે, પરંતુ વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવની ટિકીટ કાપી ભાજપના વિધાનસભાના ઉમેદવાર તરીકે તેઓ ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં જિલ્લામાં એકમાત્ર ભાજપના વાઘોડિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે અશ્વિન પટેલ હાર્યા હતા અને અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીત્યા હતા.
પ્રદેશ અધ્યક્ષે નારાજગી દૂર કરી હતી: બીજી તરફ કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ અને કૉંગ્રેસમાંથી આવેલા અક્ષય પટેલ વચ્ચે ભાજપમાં વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ માટે હરિફાઈ જોવા મળી હતી, પરંતુ પાર્ટીએ અક્ષય પટેલને ટિકીટ આપતા સતીષ પટેલ (નિશાળિયા) નારાજ થયા હતા. ત્યારબાદ અપક્ષ તરીકે ચૂંટણી લડવાની તો ક્યાંક કૉંગ્રેસ તરફ ચૂંટણી લડવાની વાત ચાલતી હતી અને આંતરિક ભાજપમાં ડખો જોવા મળ્યો હતો. આ બાબતને લઈ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલે તેમને સમજાવ્યા હતા અને તેઓ સમજી પણ ગયા હતા. ત્યારે કહી શકાય કે, તે સમેયે થયેલી વાતચીતમાં વડોદરા જિલ્લા ભાજપમાં સ્થાન અંગે ચર્ચા થઈ હોવાથી અને આજે સતીષ પટેલ (નિશાળીયા)ને વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Ahmedabad Corporation Budget: પ્રથમ દિવસે કોંગ્રેસના આક્રમક પ્રહાર, કહ્યું ભાજપ છેત્તરપીંડિ કરે છે
દરેક સમાજને સાથે લઈને કામ કરીશું: આ અંગે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલે જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે તેમને જવાબદારી સોંપવામાં આવી છે. સંગઠનના આગેવાનો અને હોદ્દેદારો સાથે મળીને ભારતીય જનતા પાર્ટીનું કમળ કઈ રીતે વધુને વધુ ખીલે તેવા પ્રયાસો કરીશું. સાથે તમામ ભાજપના ઉચ્ચ હોદ્દેદારો અને પ્રદેશ અધ્યક્ષ સહિત તમમનો આભાર માન્યો હતો. તો આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવવાની છે. ત્યારે ત્રણ લોકસભાના સભ્યો ચૂંટાઈને જતા હોય છે. લોકસભાની ચૂંટણીમાં ત્રણેય લોકસભા બેઠક પર વધુ મતોથી વિજય મેળવી ભવ્ય જીત મળે તેવા પ્રયાસો કરીશું. પ્રદેશના માર્ગદર્શન મુજબ, જિલ્લામાં તમામ સમાજને સાથે લઈને કામ કરીશું, જેથી કોઈને અન્યાય ન થાય. સાથે જિલ્લા સંઘઠનમાં મને બહોળો અનુભવ છે જેથી કરી સારી રીતે કામગીરી કરી શકાશે.