વડોદરાઃ ભાસ્કર ચૌધરીને લઈને જે વિગત સામે આવી છે એમાં તે ઘણા બધા પાસાઓ પર વિચારતા કરી દે એવી છે. હકીકત એમ છે કે, વર્ષ 2019માં સીબીઆઈએ એની સામે ગુનો દાખલ કર્યો હતો. તેમ છતાં છેલ્લા ચાર વર્ષથી એનું પરીક્ષા કેન્દ્ર યથાવત રહ્યું હતું. આ બાબતથી હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સી સામે પ્રશ્નો ઊભા થાય છે. જો ઊંડાણથી તપાસ કરવામાં આવે તો નેશનલ એજન્સીમાંથી પણ કોઈ ભાસ્કર ચૌધરીના સંપર્કમાં હોવાનું ખુલી શકે છે.
દરોડા પાડ્યા હતાઃ પેપર લીક કાંડમાં ભાસ્કર ચૌધરી તથા કેતન બારોટની સામે વર્ષ 2019માં ગુનો નોંધાયેલો છે. સીબીઆઈએ આ અંગે એક કેસ કર્યો હતો. ગાંધીનગરમાં રહેતા એક વાલીની ફરિયાદને આધારે સીબીઆઈ ફરિયાદ અનુસાર આ બન્ને સામે ગુનો નોંધાયેલો છે. જે ફરિયાદને આધારે તપાસ કરતા ભાસ્કર સીબીઆઈના રડારમાં આવેલો છે. જાણીતી એન્જિનીયરિંગ કૉલેજ બીટ્સ પીલાનીની પ્રવેશ પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈ પરીક્ષા વગર એડમિશન અપાવી દેવાના હતા. જેમાં ભાસ્કરનું નામ ખુલ્યું હતું. આ કેસમાં સીબીઆઈએ દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને વડોદરામાં દરોડા પાડીને તપાસ કરી હતી.
33 લાખ કેશઃ એ સમયે 33 લાખની કેશ તેમજ વાંધાજનક દસ્તાવેજને જપ્ત કરી લેવામાં આવ્યા હતા. કેસમાં અગાઉ પણ પકડાઈ ચૂકેલા ભાસ્કર ચૌધરી છેલ્લા ચાર વર્ષથી વડોદરાના અટલાદરા વિસ્તારમાં પરીક્ષા કેન્દ્ર ચલાવતો હતો. જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી ચૂક્યા હતા. હવે પ્રશ્ન એ થાય છે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી ભાસ્કરને મંજૂરી કેવી રીતે આપી દેવાઈ? કેતન ઉપરાંત શેખમહંમદ, દર્પણ પાઠક, નિશિકાંત સિન્હા પણ પકડાઈ ગયા હતા. નિશિકાંત સિન્હા સામે તો વર્ષ 2016માં અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં ડમી વિદ્યાર્થી મામલે ગુનો નોંધાયેલો છે. પણ પછી એનો કેસ ડિસ્ચાર્જ થઈ થઈ ગયો હતો.
આ પણ વાંચોઃ Gujarat Junior Clerk Paper Leak: જુનિયર કલાર્ક પેપરલીકમાં અરવલ્લીના કેતન બારોટનું નામ આવ્યું સામે
મુખ્ય સુત્રધારઃ ભાસ્કર ચૌધરી પેપર લીક કાંડનો મુખ્ય સુત્રધાર મનાય છે. જે મૂળ બિહારનો છે. વર્ષ 2002માં તે ગુજરાત આવ્યો હતો. એ પછી તે વડોદરા સ્થાયી થયો હતો. આણંદથી એમએસસી, બાયોટેકમાં અભ્યાસ અભ્યાસ કર્યો હતો. હાલ તે બે સંતાનનો પિતા છે. શરૂઆતથી જ તે એજ્યુકેશન ક્ષેત્રે કામ કરી ચૂક્યો છે. 2017માં સ્ટેકવાઈઝ ટેકનોલોજી નામની ફર્મ શરૂ કરી. જેમાં એની પત્ની રિદ્ધિ ચૌધરી ડાયરેક્ટર તરીકે હતી.