વડોદરા: વડોદરા શહેરના બે મોટા કેમિકલ ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે કાર્યવાહી કરી હોવાની વિગતો સામે આવતાજ કેમિકલ ઉધોગ ગૃહોમાં ફફડાટ ફેલાયો છે. શહેરના ગૌરવ વિસ્તારમાં આવેલી ઓફીસ અને શહેરના નંદેસરી ખાતે આવેલ કેમિકલ પ્લાન્ટ પર આજે વહેલી સવારથીજ આવકવેરા વિભાગે તવાઈ બોલાવી છે. જો કે આ અંગે આવકવેરા વિભાગે કોઈ સત્તાવાર વિગતો આપી નથી.
ઓફિસો પર દરોડા: પ્રાપ્ત વિગતો આવકવેરા વિભાગ દ્વારા શહેરના ગોરવા, ગોત્રી હરીનગર પાણીની ટાંકી પાસે આવેલી કેમિકલ કંપનીની ઓફિસો, ગોરવા બી.આઇ.ડી.સી, પાનોલી જી.આઇ.ડી.સી.માં તેમજ નંદેશરી ખાતે આવેલા કેમિકલ ઉત્પાદન એકમો ઉપરાંત કંપનીઓના ડાયરેક્ટરોના નિવાસ સ્થાનો સહિત 7 જેટલા સ્થળો ઉપર આવક વેરા વિભાગે સામુહિક દરોડા પાડ્યા હતા.
આકવેરા વિભાગ ત્રાટક્યુ: તેઓના પ્લાન્ટ શહેરથી દૂર નદેસારી ખાતે આવેલ છે. આ પ્લાન્ટ ધારક શિવ પ્રકાશ ગોયલ અને જયપ્રકાશ ગોયલના ગ્રુપ ઉપર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. સાથે શહેરમાં આવેલ અન્ય એક ગ્રૂપ પ્રકાશ કેમિકલ ઉપર પણ આકવેરા વિભાગ ત્રાટક્યુ છે. આ કંપનીના માલિક દિલીપભાઈ શાહ અને મનીષભાઈ શાહને ત્યાં પણ સર્ચ ચાલી રહ્યું છે.
કરોડોનું બેનામી નાણું મળી શકે છે: આવકવેરા વિભાગે વહેલી સવારથી જ કાર્યવાહી શરૂ કરી હતી જેમાં સ્થાનિક પોલીસ તંત્રની મદદ લેવાઈ છે. આવકવેરા વિભાગ દ્વારા કેટલાંક વાંધાજનક દસ્તાવેજો કબજે કરી તપાસ હાથ ધરી છે. ઉપરાંત બેંક એકાઉન્ટોની તપાસ શરૂ કરી છે. તે સાથે આવક વેરા વિભાગની ટીમો દ્વારા કંપનીમાં થતું કેમિકલ ઉત્પાદન અને વેચાણ સહિતની માહિતી મેળવી તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહી દરમ્યાન ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓને ઓફીસ બહાર ગેટ પર મોકલી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મુખ્ય પ્રવેશદ્વાર બંધ કરી અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તપાસ બાદ કરોડો રૂપિયાનું બિનહિસાબી કાળું નાણું મળવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
એકસાથે 30 જગ્યાએ કાર્યવાહી: આ સાથે ગોયલ ગ્રુપના ગાંધીધામના ભીમાસરમાં આવેલા કચ્છ કેમિકલ પ્લાન્ટ ઉપર પણ આવકવેરા ખાતાના દરોડાની માહિતી સામે આવી છે. વડોદરા, કચ્છ અને દિલ્હી આમ ત્રણ જગ્યાએ એકસાથે આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલી રહી છે. કુલ 30 થી પણ વધુ જગ્યાએ આવકવેરા વિભાગનું સર્ચ ચાલી રહ્યું છે.