વડોદરા : જીવનમાં ક્યારેક ધાર્યું ન હોય તેવી ઘટના બનતી હોય છે ત્યારે ખૂબ જ મુશ્કેલીઓ સર્જાતી હોય છે. તેમાં પણ જ્યારે બે બાળકોની માતા હોય અને અકસ્માતમાં બે પગ ગુમાવ્યા હોય સાથે પતિની છત્રછાયા ગુમાવી હોય ત્યારે તો પરિવાર ચલાવવો ખૂબ જ મુશ્કેલ હોય છે. પરિવારના ગુજરાન માટે જ્યારે બાળકીઓ અભ્યાસ કરતી હોય અને ખર્ચ કાઢવાનો હોય ત્યારે એક માતા માટે બહુ જ ભયંકર સ્થિતિ સર્જાય છે. આવી પરિસ્થિતિ હતી શોભાબેન ગોરખા જેમને ઊભા રહેવા બંને પગ પણ નથી.
પીડાદાયી જીવનસંઘર્ષ વિકટ પરિસ્થિતમાં માતૃધર્મ નિભાવવા એકસમયે માતા શોભાબેને ગુનાખોરી પણ આચરી હતી. શહેરના ફતેગંજ વિસ્તારમાં નવીનગરીમાં વસવાટ કરતાં આ માતાના જીવનમાં સર્જાયેલ મુશ્કેલીઓ વિશે ઇન્ટરનેશનલ મધર્સ ડેના ઉપલક્ષમાં ખાસ વાતચીત કરી હતી.
જીવન ખૂબ સંઘર્ષમય રહ્યું : દીકરીને ભણાવી ગણાવી અને આગળ વધારવા માટે આ માતાએ ખૂબ સંઘર્ષ કર્યો હતો. હાલમાં બે દીકરીમાં એક દીકરી ધોરણ 11ની પરીક્ષા આપી સાથે કિકબોક્સિંગ કરી રહી છે. જે નેશનલ કક્ષાએ એવોર્ડ પણ મેળવી રહી છે જે માતા માટે ખુશીની વાત છે. અન્ય એક દીકરી ધોરણ 12ની પરીક્ષા આપી પરિણામની પ્રતીક્ષા કરી રહી છે.
મારું વર્ષ 2009માં પોતાના વતન નેપાળથી પરત ફરતા કાનપુરમાં ખમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મારે બે દીકરીઓ હતી અને અકસ્માત બાદ વર્ષ 2015માં મારા પતિ દેવલોક પામ્યા હતા. ત્યારબાદ પરિવાર સંભાળવો મારા માટે ખૂબ મોટો પડકાર હતો. પરિવારમાં બે દીકરી હોવાથી જવાબદારી અને ખુબજ દુઃખ પડ્યું છે... શોભાબેન ગોરખા (સંઘર્ષરત માતા)
અકસ્માતમાં બંને પગ ગુમાવ્યા : શોભાબેન ગોરખાએ અકસ્માત વિશે જણાવ્યું કે તેઓ પોતાના પરિવાર સાથે વતન નેપાળ ગયા હતા. નેપાળથી પરત ફરતા હતા તે દરમિયાન કાનપુર ખાતે આવી રહ્યા હતા. તે દરિમયાન ગાઢ ધુમ્મસના કારણે ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે શોભાબેનને બે પગ ન રહ્યાં સાથે દીકરી અઢી વર્ષની હતી. તેનેે પણ ડાબા પગે ઇજાઓ પહોચતા સારવાર કરવામાં આવી હતી.
શહેર પોલીસે મદદ કરી તો ગુનાની રાહ છોડી : પતિ ગુમાવ્યો, પોતાના બે પગ ગુમાવ્યાં, એક દીકરી પણ વિકલાંગ બની આવા દારુણ સંકટ વચ્ચે પરિવારનું પાલનપોષણ કરવા માટે શોભાબેનને આભને થીગડા મારવા જેવું હતું. દીકરીઓને ભણાવવી પણ હતી ત્યારે ખર્ચા કાઢવા શોભાબેને ગુનાખોરીનો માર્ગે પણ ચાલવું પડ્યું હતું. વડોદરા પોલીસની શી ટીમની સંવેદના તેમની પરિસ્થિતિ જોઇસમજી શકી અને તેમણે મદદનો હાથ લંબાવ્યો અને તેમણે ગુનાની રાહ છોડી.
મારી સ્થિતિ સારી ન હોવાથી હું અન્ય કામ કરી શકતી નથી. મારી બંને દીકરીઓ અભ્યાસ કરી રહી છે. પરિવાર માટે ગુજરાન ચાવવું ખૂબ મુશ્કેલ છે. રાશન કાર્ડ આધારે અનાજ આવતું હોવાથી માંડ માંડ પૂરું થઈ રહ્યું છે. હાલમાં ફ્રુટની લારી પણ ચાલતી નથી જેથી ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે. દીકરીઓ નાની હોવાથી કોઈ નોકરી પણ નથી આપતું. જેથી ઘર ચલાવવું ખુબ જ મુશ્કેલ છે... શોભાબેન ગોરખા (સંઘર્ષરત માતા)
ફ્રુટની લારી શરુ કરી : વડોદરા શહેરની શી ટીમ તેમને સમજણ આપી કે બે દીકરીની માતા છો તો ગુનાખોરીનો માર્ગ યોગ્ય નથી. બંને દીકરીની ઈચ્છા હતી કે પોતાની માતા પણ ગુનાખોરીના કળણમાંથી બહાર આવે જે શી ટીમ ઇચ્છતી હતી. આખરે માતૃહદયે દીકરીઓનું હિત વસ્યું અને શી ટીમ દ્વારા કરવામાં આવેલી મદદના આધારે ફ્રુટની લારી દ્વારા કમાણી શરૂ કરવા પ્રયત્ન કર્યો. જોકે તેમને હજુ પણ ઘણી જ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે જે સંતાનોના ભવિષ્યને ખાતર સહી રહ્યાં છે.
અશક્ત દીકરી એવોર્ડ વિનર બની : શોભાબેન ગોરખાની એક દીકરી જેણે તેમની સાથે થયેલા અકસ્માતમાં પગમાં ઇજાઓ થઇ હતી તે હાલમાં પણ પગથી અશક્ત છે. તેમ છતાં આ દીકરી ખૂબ જ સંઘર્ષ વચ્ચે કિકબોક્સિંગમાં નામ કાઢ્યું છે. તેણે કિકબોક્સિંગમાં નેશનલ લેવલે મેડલ મેળવ્યા છે. જોકે માતા તરીકે શોભાબેન તેને ખૂબ ઊંચા સ્થાને જોવા માગે છે.