વડોદરા: હાલ લોકો નવરાત્રી મહોત્સવ મનાવવામાં વ્યસ્ત છે. ત્યારે વડોદરાના નવલખી મેદાન ખાતે વહેલી સવારે કોઈ અજાણ્યા ઈસમે આશરે 22 ફૂટ ઊંચા લાઇટિંગ ટાવર ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ જણાઈ આવ્યો હતો. જેથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે જાણ ફાયરબ્રિગેડ અને પોલીસને કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઊંચા ટાવર ઉપર મૃતદેહ: ખેલૈયાઓને અગવડ ન પડે તે માટે નવલખી મેદાન ખાતે 22 ફૂટ ઊંચા લાઈટના પુલ ઉભા કરવામાં આવ્યા છે ત્યારે આજે આ લાઈટના પોલ ઉપર કોઈક અજાણા ઈસમનો મૃતદે મળી આવ્યો હતો. ઘટનાને લઈને સ્થાનિક રહીશો દ્વારા વડોદરા ફાયર અને પોલીસની આ બાબતે જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને નીચે ઉતારવાની કામગીરી આરંભી હતી. પોલીસે હાલ મૃતકની ઓળખ કરી તેના વિશે વધુ માહિતી મેળવી આગળની તપાસ ચાલુ છે.
પોલીસે તપાસ શરૂ કરી: ફાયરબ્રિગેડ દ્વારા મળતી માહિતી મુજબ જ્યારે તેઓ ધટના સ્થળે પહોંચ્યા ત્યારે ગ્રાઉન્ડ ઉપર કોઈ સિક્યુરિટી ન હતી અને સમગ્ર ઘટના નિહાળવા લોકટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી આટલા ઊંચા ટાવર ઉપર મૃતદેહ મળી આવતા પોલીસ પણ અચંબામાં મૂકાઈ ગઈ હતી. પોલીસે યુવકે કેમ પોતાનું જીવન ટૂંકાવ્યું અને કેવી રીતે તે આટલી ઉંચાઈ સુધી પહોંચ્યો તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. યુવાને કયા કારણોસર પોતે પોતાનું જીવન ટૂંકાવ્યું તે રહસ્ય હોલ અકબંધ છે.