વડોદરા: શહેર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની પ્રોહીબિશન, જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની સૂચનાને આધારે બાપોદ પોલીસ મથકના સર્વેલન્સ સ્કોડ પેટ્રોલિંગ કરી રહ્યું હતું. તે દરમિયાનમાં ચોક્કસ માહિતી મળી હતી કે, કપુરાઈ ચોકડીથી સફેદ કલરની બોલેરોમાં મકાઈના પૂડાની આડમાં બિયરનો જથ્થો છુપાવી ગોલ્ડન બ્રીજ તરફ જનાર છે. આ માહિતીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
આ દરમિયાનમાં એલ.એન્ડ.ટી.નોલેજ સિટીની સામે અમદાવાદ જવાના રોડ પર બાપોદ પોલીસે બાતમી વાળો ટેમ્પો આવતા તેને કોર્ડન કરી તપાસ કરતા સુરેન્દ્રનગર લીંમડીનો નારાયણભાઈ ઉર્ફે સાજણ રામાભાઈ સિંધવ તથા છોટાઉદેપુરનો રાયસિંગભાઈ દેવસિંગભાઈ રાઠવા જણાઈ આવ્યાં હતાં. જે પોલીસે તલાશી લેતા સૂકા મકાઈના પૂડાની આડમાં છુપાવેલ 1,416 નંગ 1,41,600 રૂપિયાની કિંમતના બિયરના ટીન મળી આવ્યાં હતાં.
જે બનાવ સંદર્ભે પોલીસે બિયરના ટીન, ટેમ્પો, મોબાઈલ રોકડ સહિત 3,43,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને ઈસમોની ધરપકડ કરી છે. બંને વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે છોટાઉદેપુરના સુરેશ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.