વડોદરા ખાતે રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે નવલખી ખાતે જાત નિરીક્ષણ કર્યું હતું. તેમજ જણાવ્યું હતું કે, દુષ્કર્મના આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી છે. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પણ મદદ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત પીડિતાને રાજય સરકાર દ્વારા આર્થિક સહાય પણ કરવામાં આવશે.
વધુમાં ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, નવલખી ખાતે સગીરા સાથે થયેલ દુષ્કર્મ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. આ આરોપીઓને ફાંસીની સજા મળે તેવી માગ પણ કરવામાં આવશે. જો કે, આ બનાવ બાદ ગૃહપ્રધાને વડોદરા શહેરના મેયર અને પોલીસ વિભાગને ખાસ સૂચનો કર્યા હતા. તેમજ નવલખી મેદાન ખાતે જે અવાવરું જગ્યા છે તે જગ્યા પર લાઇટિંગ અને CCTV લગાવવા માટેની ગ્રાન્ટ જરૂર હશે તો રાજય સરકાર પુરી પાડી મદદ કરશે એમ જણાવ્યું હતું.