સંસ્કારી નગરી કહેવાતા વડોદરામાં નવલખી મેદાનમાં ગત્ત વર્ષ 2018માં કલાનગરી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેનેજમેન્ટની જવાબદારી સંભાળતા કિરણ પટેલ અને દિપેન શાહ સહિતનાં આયોજકોએ ડેકોરેશનની જવાબદારી અમદાવાદના પરિતોષ શાહને આપવામાં આવી હતી. જેમાં કોન્ટ્રાક્ટના પેટે આયોજકોએ તેમને 20 લાખ જેટલી જ રકમની ચુકવણી કરી હતી. બાકી નીકળતા 1 કરોડને 55 હજાર રુપિયા 1 વર્ષ વીતવા આવ્યું છે છતાં આયોજકો ચુકવણી રકમ આપવામાં ગલ્લાતલ્લા કરે છે. જેથી અમદાવાદના કોન્ટ્રાક્ટરો દ્વારા પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદના આધારે વડોદરાની રાવપુર પોલીસે કલાનગરી ગરબા મહોત્સવનું મેનેજમેન્ટ કરતાં કિરણ પટેલ, દિપેશ શેઠ અને તેની પત્ની ધારા શેઠ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, ઝડપાયેલા આયોજકો પૈકી કિરણ પટેલ રાજકરાણીઓ સાથેના સંબંધોના બણગાં મારીને પોતાની મનમાની કરતો હતો. ગરબા આયોજનના પ્રથમ વર્ષે જ અનેક સમસ્યાઓ ઊભી થઇ હતી. વિવાદો પણ સામે આવ્યા હતા. જેને પગલે વડોદરાના રાજવી પરિવારે તમામ આયોજકો પાસેથી ગરબાનું આયોજનની જવાબદારી પરત લઇ લીધી છે. હવેથી નવલખી મેદાન પર રાજવી પરિવાર દ્વારા જ ગરબા મહોત્સવ યોજવાનો નિર્ણય કર્યો છે.