વડોદરા : વાઘોડિયા તાલુકામાં ચકચારી હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કોઈ કારણોસર ભત્રીજાએ ફુઆની હત્યા કરી દીધી હતી. બાદમાં બનાવને છુપાવા માટે એક ખોટી વાર્તા બનાવી હતી. પરંતુ બાદમાં પોલીસ તપાસમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતો મામલો ? આ અંગે મળતી વિગત અનુસાર ડભોઇ તાલુકાના દંગીવાડા ગામે રહેતા 65 વર્ષયી બારીયા જગદીશભાઈ મોતીભાઈ કોઈ કામ અર્થે વાઘોડિયા તાલુકાના ભાનપુરા ગામે પોતાના સાળાને ત્યાં ગયાં હતાં. ત્યારે કોઈ કારણોસર સાળાના પુત્ર ભાવેશભાઈ સાથે જગદીશભાઈની બોલાચાલી થઈ હતી. વાત વધી જતા ભાવેશે આવેશમાં આવી ઘર આંગણે પડેલા પાવડાથી ફુઆ પર હુમલો કર્યો હતો. ભત્રીજાએ ફુવાના માથા તેમજ શરીરના અન્ય ભાગ પર ગંભીર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતા.
હત્યાને અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ : સમગ્ર ઘટનાને અકસ્માતમાં ફેરવવા માટે ભત્રીજાએ ફુવાના ઘરેથી આવતા ફોન પર ફુઆના પુત્રને જણાવ્યું કે, ફુવાની તબિયત બગડતાં તેઓ ઘર આંગણે પડી ગયા હતા. જેથી તેઓને વાઘોડિયાની પારુલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા છે. જે વાતની જાણ થતાં પરિવારજનો પારુલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
ચકચારી હત્યા : જાણવા મળતી માહિતી મુજબ જગદીશભાઈને તેમના સાળાના પુત્ર ભાવેશ સાથે તકરાર થઈ હતી. જેમાં ભાવેશે ઉશ્કેરાઇને ફુવાને પાવડાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાની જાણકારી મળી હતી. તેઓ પરિવારના કામ અર્થે ત્યાં પહોંચ્યા હતા, પરંતુ તેનું વિપરીત પરિણામ આવ્યું હતું.
ઈજાના નિશાનોએ ભેદ ખોલ્યો : આરોપીએ મૃતકના પુત્ર જોડે વાતચીત કરી ફૂવા અકસ્માતે બાઈક પરથી ઘરઆંગણે પડી જતાં તેમને ઇજા થતાં સારવાર માટે પારૂલ હોસ્પિટલ લાવ્યા હોવાની વાત કરી હતી. મૃતકના પરિજનો અને ગ્રામજનો પારૂલ હોસ્પિટલ આવ્યા હતા. જોકે મૃતકને હોસ્પિટલમાં લાવ્યાના ત્રણ કલાક પહેલા જ તેઓ મોતને ભેટ્યા હોવાનું તબીબોએ પરિજનોને જણાવ્યું હતું. મૃતકના શરીર ઉપર અન્ય ઈજાના નિશાન જોતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. ઉપરાંત આ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
આરોપી ઝડપાયો : સમગ્ર ઘટના બનતાની સાથે જ જગદીશભાઈના પરિવારજનોએ આ અંગે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનોએ આ ફરિયાદ નોંધાવતાની સાથે જ વાઘોડિયા પોલીસે ભાનપુરા ગામે રહેતા ભાવેશની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.