વડોદરા: આગામી સમયમાં દિવાળીનો મહાપર્વ નજીક આવી રહ્યો છે. ત્યારે ખાણીપીણીની ચીજવસ્તુઓનું વેચાણ કરતાં વેપારીઓ અને ફાસ્ટફૂડની હાટડીઓના વેપારીઓ વધુ કમાણી કરી લેવાની લાલચે લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હોય છે. તે અટકાવવા માટે વડોદરાના ' ફુડ એન્ડ ડ્રગ્સ ' વિભાગના ડેઝિક્સનેશન ઓફિસર ગજેન્દ્રસિંહ તડવીની સૂચનાથી ' ડભોઈ નગરમાં ભેળસેળ યુક્ત ખાદ્ય ચીજવસ્તુઓનું થતું વેચાણ અટકાવવા બે દિવસથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
ચેકિંગની કામગીરી: છેલ્લા કેટલાય સમયથી ' ફૂડ એન્ડ ડ્રગ્સ ' વિભાગ દ્વારા માત્ર દિવસ દરમિયાન જ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવતી હતી. જેથી રાત્રિ દરમ્યાન ધમધમતી ખાણીપીણીની હાટડીઓના કેટલાક વેપારીઓ વધુ કમાણી કરી લેવા બેફામ બની ભેળસેળયુક્ત હલકી ગુણવત્તાના ખોરાકનું વેચાણ બિનધાસ્ત કરતાં હતાં. પરંતુ જાગૃત નાગરિકોએ આ અંગે જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. જેથી આ વર્ષે ' ફૂડ એન્ડ ડ્રગ્સ ' વિભાગની ટીમ દ્વારા રાત્રિ દરમિયાન પણ ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો - હાટડીઓમાં ખાસ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં કેટલાક પાસે તો ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરવા માટેનું લાયસન્સ પણ ન હતું. તેવા વેપારીઓને અધિકારીઓએ સ્પષ્ટ સૂચના આપી હતી કે, ટૂંક સમયમાં લાયસન્સ કઢાવી લે નહીં તો દંડનીય કાર્યવાહી હાથ ધરાશે.
વેપારીઓમાં ફફડાટ: અધિકારીઓએ ઘટનાસ્થળે જ સેમ્પલો લીધાં હતાં અને જે સ્થળો ઉપરથી અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવી હતી તે જપ્ત કરી સ્થળ ઉપર નાશ કરાયો હતો. આ સઘન ચેકિંગ હાથ ધરાતાં કેટલાક લેભાગુ વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. નગરમાં ફરસાણ, સ્વીટ, દૂધ, ચાઈનીઝ, પાઉભાજી, પાણીપૂરી, ભજીયાં જેવી ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા કેટલાક દુકાનદારો તો ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાતાં હાટડીઓ નોકરોને સોંપી સ્થળ ઉપરથી ફરાર થઇ ગયા હતા. ડભોઈમાં વડોદરા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વાર બે દિવસ દરમિયાન 70થી 80 દુકાનો ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું. શંકાસ્પદ જણાતી ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાંથી સેમ્પલ લઇને સેમ્પલોને લેબોરેટરીમાં ચેક કરવા માટે મોકલી આપવામાં આવ્યા છે.
અખાદ્ય ચીજ વસ્તુઓનો સ્થળ પર જ નાશ: ડભોઈ નગરમાં છેલ્લા ઘણાં સમયથી ખાસ ચા - કોફીનું વેચાણ કરતી દુકાન વડોદરી ભાગોળ વિસ્તારમાં શરૂ થયેલ છે. જ્યાં અગાઉ પણ ડભોઇ નગરપાલિકાએ ગુમાસ્તાધારાનું લાયસન્સ ન હોવા બાબતે દુકાનદારને નોટિસ ફટકારી હતી. ત્યારબાદ આજરોજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં ખાદ્યચીજ વસ્તુઓનું વેચાણ કરવા માટેનું લાયસન્સ પણ આ દુકાનદાર પાસે ન હોવાની હકીકત બહાર આવી હતી. આ દુકાનમાં અધિકારી રાઠવા સાહેબે અને ગોહિલ સાહેબે તાત્કાલિક સઘન ચેકિંગ કર્યું હતું અને જેમાં દૂધ સહિતની કેટલીક અખાદ્ય ચીજ વસ્તુઓ જણાતાં તાત્કાલિક સ્થળ ઉપર જ નાશ કરી દેવામાં આવ્યો હતો અને કડક કાર્યવાહી હાથ ધરી હતી.
સ્વાસ્થ્ય સાથે ચેડાં: છેલ્લા ઘણા સમયથી ડભોઇમાં બીમારીઓ વધતી જાય છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સઘન ચેકિંગની કામગીરી હાથ ધરાતાં જાગૃત નાગરિકોમાં હર્ષની લાગણી છવાઈ હતી. એટલું જ નહીં પરંતુ આ વિભાગના અધિકારીઓએ ડભોઇ નગરના લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં વેપારીઓ સામે પ્રશંસનીય કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેથી ગેરરીતિઓ આચરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. આજ રોજ ડભોઇમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફુડ સેફ્ટી ઓફિસર એ.બી રાઠવા, નીરવ ગોસાઈ સહિત લેબોરેટરીના કેમિસ્ટ અધિકારીઓ આ કામગીરીમાં જોડાયા હતાં. હવે જોવાનું એ રહ્યું કે, જે વેપારીઓના સેમ્પલ ફેઈલ જશે તે વેપારીઓ સામે કેવી કાર્યવાહી હાથ ધરાશે.