વડોદરા: દિવાળી પર્વે આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી હતી, ત્યારે વડોદરા કલેક્ટર કચેરીમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. વડોદરાના રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે આવેલી કલેક્ટર કચેરીના ત્રીજા માળે આગ લાગી જતા અફરાતફરી મચી ગઈ હતી. જે પછી તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને વડોદરા શહેરની ચાર જેટલી ફાયરની ટીમને કામે લગાડવામાં આવી હતી અને ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. ત્યારે ફાયર વિભાગની ટીમ અને કલેક્ટર કચેરીના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો.
કલેક્ટર કચેરીમાં આગ: દિવાળીની રાત્રે લોકોએ મોટી સંખ્યામાં ફટાકડા ફોડ્યા હતા. જો કે દિવાળીની ઉજવણી દરમિયાન આગ લાગવાની પણ અનેક ઘટનાઓ બની હતી, ત્યારે વડોદરા શહેરમાં કલેક્ટર કચેરીમાં પણ એકાએક આગ લાગવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાય ગયો હતો, આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતાં.
આગ લાગવાનું કારણ અકબંધ: વડોદરાના રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે આવેલી કલેકટર કચેરી મોટાભાગે લાકડાની હોવાથી ઈમારતમાં આગ વધુ પ્રસરી હતી. કલેક્ટર કચેરીના ત્રીજા માળે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગની 4 ટીમોએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.પરંતું લાકડાની ઈમારત હોવાને કારણે આગ વઘુ પ્રસરી હતી, આગની ઘટનામાં કચેરીના મહત્વના દસ્તાવેજ બળીને ખાખ થયા હોવાની આશંકા છે. જો કે આગ કઇ રીતે લાગી તેનું કારણ અકબંધ છે. તપાસ બાદ જ આગનું ચોક્કસ કારણ સામે આવશે.