વડોદરાઃ વડોદરા શહેરના છેવાડે આવેલા કોયલી ગામના ખેડૂતો ઓ.એન.જી.સી અને રિફાઇનરીમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે હેરાન-પરેશાન થઇ ગયા છે અને ખેડૂતોના ખેતરોમાં પાણી પ્રવેશી જતા તેમનો પાક નિષ્ફળ જાય તેવો ભય ઊભો થયો છે. ત્યારે કોંગ્રેસના મહિલા અગ્રણી જોગેશ્વરી મહારાઉલ અને ખેડુતોએ તંત્ર સામે દેખાવો કરી નારાજગી દર્શાવી હતી.
આ મુદ્દે બંને કંપનીઓ દ્વારા પણ પાણી કોણ છોડી રહ્યું છે તેનો યોગ્ય જવાબ આપવામાં આવી રહ્યો નથી. ખેડૂતોનું કહેવું છે કે જો આ સમસ્યાનું સમાધાન નહીં થાય અને નુકશાનનો ભોગ બનેલા ખેડૂતોને વળતર આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોયલી અને આસપાસના ગામના બીજા ખેડૂતો પણ આ કંપનીઓ સામે આંદોલન શરૂ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે રિફાઇનરી ઓ.એન.જી.સી માંથી આવતા ઓઈલ યુક્ત પાણીના લીધે ખેડૂતોને ખૂબ જ મોટું આર્થિક નુકસાન થયેલ હોઈ કોંગ્રેસ અગ્રણી જોગેશ્વરી મહારાઉલની આગેવાનીમાં ખેડૂતો અને આ વિસ્તારના રહીશો અહીં ભેગા થયા હતા અને તેઓ દ્વારા સત્તાધીશોને વિનંતી સહ ચેતવણી આપવામાં આવી છે કે જે ખેડૂતોને નુકસાન થયેલ છે એ નુકસાનની ભરપાઈ કરવામાં આવે.
અન્યથા આ બાબતે આગામી સમયમાં આ ઓદ્યોગિક એકમોથી ઘેરાયેલા ગામોના હિતમાં ગાંધીચિંધ્યા માર્ગે ખેડૂતો તથા ગ્રામજનોને સાથે રાખીને આંદોલનના મંડાણ કરવામાં આવશે. આ ઓદ્યોગિક એકમોની આજુબાજુના કોયલી, કરર્ચિયા, બાજવા, રણોલી, અનગઢ જેવા સંખ્યા બંધ ગામોને સાથે રાખીને આ ગામોના ખેડૂતોના હિત માટે આંદોલન કરવામાં આવશે. જેની તમામ જવાબદારી સંબંધિત સત્તાધીશોની રહેશે તેવી ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.