વડોદરા : હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. તેની વચ્ચે 2 દિવસની હડતાળ શરૂ થતા નાગરિકોને રોકડ વ્યવહારોમાં ખાસ્સી મુશ્કેલી પડશે. એક અંદાજ મુજબ એક હજાર કરોડના વ્યવહારો પણ ઠપ્પ થયા છે. નેશનલાઈઝ બેન્ક કર્મચારીઓના યુનિયન યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન દ્વારા મળતી માહિતી અનુસાર, બેન્ક કર્મચારીઓ અને ઓફિસર્સનો પગાર વધારાનો કરાર 31 ઓક્ટોબર 2017ના રોજ પુરો થઈ ગયો છે. જ્યારે 10મો કરાર મે,2015માં થયો હતો. જેની અવધી નવેમ્બર 2012થી ઓક્ટોબર 2017 હતી.
આમ બેન્ક કર્મચારીઓ 1 નવેમ્બર 2017 થી નવા કરાર માટે હકદાર હતા.બીજીતરફ બેન્ક કર્મચારીઓ ઉપર કામનું ભારણ વધી ગયું છે. બેન્ક કર્મચારીઓ ન્યાયી અને વ્યવહારિક પગાર વધારાની માંગણી કરી રહ્યાં છે. જેથી બેંકિગ ઉદ્યોગના 9 સંગઠન એટલે કે યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ તરફથી આંદોલનનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. જે મુજબ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2020ના રોજ તેમજ 11,12 અને 13 માર્ચ 2020 ના રોજ હડતાળ રહેશે.
જ્યારે 1 એેપ્રિલ 2020થી અચોક્કસ મુદ્દતની હડતાળ પાળવામાં આવશે. જેના કારણે વડોદરા શહેરમાં એક દિવસનું 300 કરોડ એમ બે દિવસના 600 કરોડ અને દેશભરમાં 25 થી 30 હજાર કરોડનું ક્લિયરન્સ 2 દિવસીય હડતાળને પગલે ઠપ્પ થઈ જશે.