- કારતક વદ સોમવતી અમાસને લઈ ચાંદોદ ખાતે નર્મદા સ્નાન કરવા ભક્તો ઉમટ્યા
- સોમવતી અમાસ અને સૂર્યગ્રહણનો અનેરો સંયોગ થયો
- અમાસના દિવસે પિતૃતર્પણ-કાલસર્પની વિધિનું ખાસ મહત્વ
વડોદરાઃ આજે વર્ષની અંતિમ સોમવતી અમાસ હોય જેની વિશેષ મહિમાને લઇ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર અને ગુજરાતના કાશી કહેવાતા ચાંદોદ તીર્થક્ષેત્રમાં રાજ્યમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ- યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. સોમવતી અમાસે નર્મદા સ્નાન સહિત પિતૃ તર્પણ અને કાલસર્પ દોષ નિવારણ વિધિનું પણ વિશેષ મહત્વ હોવાથી વહેલી સવારથી શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો હતો.
કુબેરભંડારી મંદિર ખાતે પણ ભક્તોનો ધસારો
ચાંદોદના નદી કિનારાના મલ્હારરાવ ઘાટ, ચક્રતીર્થ ઘાટ, માર્કંડેશ્વર ઘાટ સહિતના નદીકિનારાઓ ખાતે નર્મદા સ્નાનનો લાભ મેળવી શ્રદ્ધાળુઓ ધાર્મિક મંડપો અને વિવિધ સ્થળોએ પોત પોતાના તીર્થ ગોર પાસે પિતૃતર્પણ તેમજ કાલસર્પ દોષની વિધિવિધાનમાં જોડાયા હતા. સાથે યાત્રાળુ પર્યટકોએ અલૌકિક વાતાવરણ વચ્ચે નર્મદા નદીમાં બોટીંગની મજા પણ માણી હતી. સોમવતી અમાસને અનુલક્ષી કરનાળીના શ્રી કુબેરભંડારી મંદિર ખાતે પણ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો.
સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરાયું
મંદિરના ટ્રસ્ટ દ્વારા સરકારી ગાઇડ લાઇન મુજબની તમામ તકેદારી રાખવામાં આવી હોઈ સોશિયલ ડિસ્ટન્સ અને સ્ક્રિનિંગ સહિતની વ્યવસ્થા સાથે શિવ ભક્તોએ શિસ્તબદ્ધ રીતે શ્રી કુબેર દાદાના દર્શનનો લાભ લીધો હતો. વધુમાં આજે સોમવતી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ થયો હતો.
અગાઉ 2017 માં સોમવતી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ થયો હતો
સોમવતી અમાસનો દિવસ સાધના, મોક્ષ અને જ્ઞાનપ્રાપ્તિ માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આજના દિવસે કારતક વદ અમાસને સોમવારે સૂર્યગ્રહણ પણ ધન રાશિમાં થવાનું હોય સોમવતી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ થયો હતો. કારતક માસની અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ સર્જાયો છે. અગાઉ 2017 માં સોમવતી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ થયો હતો.