ડભોઈઃ સરકાર મતદાર યાદી સુધારણના કાર્યક્રમો સતત હાથ ધરતી રહે છે. તેમાંય આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે સરકારે મતદાર યાદી અપડેટ થાય તે માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરુ કર્યો છે. જેમાં 5 અને 26મી નવેમ્બર તેમજ 3 અને 9 ડિસેમ્બરના દિવસોએ મતદારા યાદીમાં સુધારો વધારો કરવા માટે નક્કી કરવામાં આવ્યા છે. સરકાર માટે અને ચૂંટણી માટે આ કાર્યક્રમ સફળ બને તે આવશ્યક છે. સરકાર આવા કાર્યક્રમોને સફળ બનાવવા જાહેરાતો કરતી હોય છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સરકાર ઉપરાંત એક અધિકારી પણ મેદાને પડ્યા છે. શૈલેષ પરમાર નામક નાયબ મામલતદારે એક પેરોડી સોન્ગ બનાવીને મતદાતાઓમાં જાગૃતિ લાવવાનું બીડુ ઝડપ્યું છે.
નવતર પહેલઃ ડભોઈના નાયબ મામલતદાર શૈલેષ પરમારે મતદાતા જાગૃતિ માટે નવતર પહેલ આદરી છે. તેમણે "ગોતી લો...ગોતી લો... "નામક ગુજરાતી ગીતનું પેરોડી સોન્ગ બનાવ્યું છે. તેમણે પેરોડી સોન્ગમાં મતદારોએ વિવિધ સુધારા માટે કયા કયા નંબરના ફોર્મ ભરવા તે જણાવ્યું છે. તેમને પોતાના અવાજમાં ગાયેલું આ પેરોડી સોન્ગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. આ વાયરલ સોન્ગને પરિણામે મતદાતાઓને નામ ઉમેરવા, કમી કરાવવા અને સુધારો કરાવવા કયા ફોર્મ ભરવા તેની માહિતી મળી રહે છે. તેમજ તેઓ મતદાર યાદીમાં સુધારો વધારો કરાવવા માટે પ્રોત્સાહિત પણ થાય છે.
સરકાર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ કાર્યક્રમના પ્રથમ રવિવારે મતદારો મતદાર યાદીમાં પોતાનું નામ શોધી રહ્યા હતાં. તે સમયે અચાનક મને "ગોતી લો...ગોતી લો... " નામક ગુજરાતી ગીત યાદ આવ્યું. સત્વરે મેં આ ગીત જેવું મતદાર યાદી સુધારણાને લગતું ગીત બનાવ્યું હતું. મને આશા છે કે મેં બનાવેલા ગીતથી મતદારો મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ભાગ લેવા પ્રોત્સાહિત થશે...શૈલેષ પરમાર(નાયબ મામલતદાર, ડભોઈ)