- કરફ્યૂ શરૂ થાય તે પૂર્વે જ નાગરવાડામાં ભારે પથ્થરમારો થતાં તંગદિલી વ્યાપી
- બે-ત્રણ વાહનોની તોડફોડ કરાઈ
- પોલીસ તંત્રમાં દોડધામ મચતા કોમ્બિંગ હાથ ધર્યું
- યુવતીને ભગાડી લઈ જવાના મુદ્દે બે જૂથ આમને સામને આવ્યા
વડોદરા: શહેરના મહેતાવાડીમાં એક જ કોમના બે જૂથો વચ્ચે પથ્થરમારો થતાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. આવારા તત્વોએ ઘરની બહાર પાર્ક કરેલા વાહનોને ટાર્ગેટ બનાવતાં તંગદીલી વ્યાપી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં કારેલીબાગ પોલીસ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી એક યુવતીને ભગાડી લઈ જવાના મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ ચાલી રહી છે. દિવાળીના તહેવાર વખતે પણ પથ્થરમારા અને વાહનોની તોડફોડનો બનાવ બન્યો હતો. જેની પોલીસ ફરિયાદ ન થતાં તોફાની તત્વોને મોકળુ મેદાન મળી ગયું હતું. જેથી ફરીથી બે જૂથ સામસામે આવી જઈ પથ્થરમારો કર્યો હતો.
પોલીસે આવારા તત્ત્વોને પકડવા માટે વિસ્તારમાં કોમ્બિગ કર્યું
આ ઘટનામાં ત્રણથી ચાર લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે પોલીસ સ્થળ પર દોડી જતાં તોફાની તત્વો ભાગી ગયા હતા. પોલીસે તેમને પકડવા માટે વિસ્તારમાં કોમ્બિગ કર્યું હતું. નોંધનીય છે કે, ચાર દિવસ પહેલા થયેલા પથ્થરમારાના બનાવને લઈ નવી ધરતી રાણાવાસ પાસે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વારંવાર કાયદો હાથમાં લઈ શહેરની શાંતિને ડહોળતાં તત્વો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. જેમનો ગુનાહિત ભૂતકાળ છે, તેમને પાસા હેઠળ જેલમાં મોકલીશું.