31મી ઓક્ટોબર અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે વડોદરામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે "રન ફોર યુનિટી" એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશની સુરક્ષા, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને ટકાવી રાખવા, નાગરિકોમાં ભાઈચારાની ભાવના જળવાય અને નવી પેઢીમાં આ સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિતે 31મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વડોદરા મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના સંયુકત ઉપક્રમે " રન ફોર યુનિટી" નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સાયજીબાગ ખાતેથી વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે અને મેયર ડો જીગીષાબેન શેઠની ઉપસ્થિતીમાં ફ્લેગ ઓફ કરી રન ફોર યુનિટી એકતા દોડને પ્રસ્થાન કરાવાઈ હતી.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રથમ એકતાનાં શપથ લેવડાવ્યા હતાં, ત્યારબાદ રન ફોર યુનિટી એકતા દોડને પ્રસ્થાન કરાવ્યુ હતું. મેયર, ડેપ્યુટી મેયર, વિપક્ષી નેતા, મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા કલેક્ટર, પોલીસ દળ, NDRF, સેનાના જવાનો, દિવ્યાંગો, વડોદરાની શાળા કોલેજના વિધાર્થીઓ, ફાયર એકેડમી, રમતવીરો તેમજ સરકારી તેમજ અર્ધ સરકારી કચેરીના કર્મચારીઓ, એનજીઓ,તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં એકતા દોડમાં જોડાયા હતાં. એકતા દોડ સયાજીબાગ ખાતેથી નીકળીને કાલાઘોડા, કોઠી, જેલરોડ થઈને સયાજીગંજ ખાતે પૂર્ણ થઇ હતી. જ્યાં, સયાજીગંજ ખાતે આવેલ સરદાર પટેલની પ્રતિમા ખાતે એકતા દોડ સંપન્ન થઈ હતી, ત્યારબાદ પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.