વડોદરાઃ ડભોઇ સરદાર શોપિંગ સેન્ટરથી યુથ કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના હાથરસ ગામે જે ઘટના બની તેના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરોએ આંબેડકર ચોક સુધીની કેન્ડલ માર્ચ યોજી વિરોધ કર્યો હતો અને સરકાર આ ઘટનાના આરોપીઓને કડક સજા કરે તેવી માગ કરી હતી.
હાલ દેશમાં અવાર-નવાર દુષ્કર્મના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં આવા કૃત્યો કરવા સામે સરકાર કડક વલણ દાખવે તેવી માગ ઉઠવા સાથે જન આક્રોશ ભભૂક્યો છે.
ડભોઇ યૂથ કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ સમિતિના સુધીરભાઈ બારોટ, મકબૂલભાઈ મુલ્લા, ચિરાગભાઈ પટેલ, સતિશભાઈ રાવલ, સહિત કાર્યકર્તાઓ ડભોઇ સરદાર સોપિંગ સેન્ટર કોંગ્રેસ કાર્યલાય ખાતેથી કેન્ડલ માર્ચ યોજી રંગ ઉપવન બાગ પાસે બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો અને દુષ્કર્મ જેવા કૃત્યો કરનારા નરાધમોને કડક સજા મળે તેવી માગ કરી હતી. કોંગ્રેસના અગ્રણી-કાર્યકરોએ ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી ઘટનાનમાં ભોગ બનનારી યુવતીને ન્યાય મળે તેવી માગ કરી હતી.