- સાવલીમાં ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિવસે રાફડો ફાટ્યો
- જંગી રેલી યોજી ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યાં
- ભાજપ, કોંગ્રેસ, બસપા, AAP સહિત અપક્ષમાંથી પણ ઉમેદવારી નોંધાઈ
- 5 જિલ્લા પંચાયત, 22 તાલુકા પંચાયત અને નગરપાલિકા 6 વોર્ડની 24 બેઠક પર ખરાખરીનો જંગ
વડોદરાઃ જિલ્લાના સાવલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષો દ્વારા ઉમેદવારી નોંધાવાઈ હતી. 135 વિધાનસભા મતવિસ્તાર સાવલી તાલુકાની 5 જિલ્લા પંચાયત અને 22 તાલુકા પંચાયત, સાવલી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠક માટે મતદાન થવાનું છે. ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત થતાં સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર અને સ્વામીજીની સમાધિ મંદિરે દર્શન કરી આશીર્વાદ સાથે વાજતે ગાજતે રેલીસ્વરૂપે સૂત્રોચાર સાથે સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારની આગેવાનીમાં ઉમેદવારો અને સમર્થકો ડીજેના તાલે તાલુકા સેવાસદન ખાતે પહોંચી ઉમેદવારી નોંધાવી હતી.
તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા મળી કુલ 215 ઉમેદવારી ફોર્મ ભરાયાં
શનિવારે નામાંકન કરવાનો છેલ્લો દિવસ હોવાથી કોંગ્રેસ પાર્ટીના તાલુકા પ્રમુખ વિજય વાઘેલાની આગેવાનીમાં ઉમેદવારી ફોર્મ રજૂ કરાયાં હતાં. આ સાથે અન્ય પક્ષોમાં અપક્ષોના નામાંકન નોંધ બાકી હોઈ તેવા ઉમેદવારોએ પણ પોતાના ફોર્મ રજૂ કરી દાવેદારીની નોંધણી કરી હતી. સાવલી તાલુકા પંચાયત કચેરીએ 8 તાલુકા પંચાયતના કુલ 39 ફોર્મ ભરાયાં હતાં. જેમાં ભાજપ-15, કોંગ્રેસ-19, બસપા-4, આપ-1,જ્યારે તાલુકા સેવાસદનમાં મામલતદારના હસ્તે જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 35 ફોર્મ ભરાયાં હતા. ભાજપા-10, કોંગ્રેસ-14, આપ-4, બસપા-4 , અપક્ષ-3 અને તાલુકા પંચાયતની 14 બેઠક માટે 68 ફોર્મ ભરાયાં હતા. જેમાં ભાજપા-26, કોંગ્રેસ- 22 ,અપક્ષ-12, બસપા-3, આપ-5, તેમજ સાવલી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠખ માટે 73 ફોર્મ ભરાયાં હતા. જેમાં ભાજપા-41, કોંગ્રેસ-26, અપક્ષ-2, આપ-4,ના મળી કુલ 215 ઉમેદવારી ફોર્મ ભરાયાં હતા.